ક્ષત્રિય આંદોલનને લઈ સૌથી મોટા સમાચાર, રાજપૂત સંકલન સમિતિએ જાણો પત્ર લખી સમાજને શું કરી અપીલ
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે હવે આ ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે હવે આ ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિ દ્વારા એક પત્ર લખી સમાજને અપીલ કરવામાં આવી છે. શાંતિપૂર્વક અને શિસ્ત સાથે આંદોલન ચાલુ રાખવા માટે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજપૂત સંકલન સમિતિ દ્વારા સમાજ જોગ પત્ર લખવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે. ગુજરાત રાજ્યના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલન છેલ્લા ઘણા દિવસથી ખૂબ જ શાંતિપૂર્વક અને સ્વયં શિસ્ત સાથે ચાલી રહ્યું છે જેની નોંધ દેશભરમાં લેવાય છે. આપણું નારી શક્તિના સ્વાભિમાન માટેનો આંદોલન અહિંસક અને કોઈપણ પ્રકારના સંઘર્ષ કે ઘર્ષણ વગર મત એજ શસ્ત્રના ધ્યેય સાથે લોકશાહી ઢબે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતાના દર્શન સાથે ખૂબ શિસ્ત પૂર્વક આગળ વધી રહ્યું છે.
પાર્ટ-2 નીતિ મુજબ બીજેપી વિરોધી મતદાનની નીતિ યથાવત છે અને બાઈકોટ બીજેપી સાથે આપણે શાંતિપૂર્વક લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરોક્ષી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે આહવાન કરીએ છીએ અને બુથ મેનેજમેન્ટને વધુમાં વધુ મજબૂત કરીને મતદાન કરીએ મુજબની રણનીતિ યથાવત રહેશે.
સંકલન સમિતિના આગેવાનોના અભિપ્રાય તથા કોર કમિટીમાં થયેલી ચર્ચા-વિચારણા મુજબ હાલમાં ભારત દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તે માટે સભા તેમજ રેલીઓ ચાલુ રહેશે આવા સમયે ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનના ધ્યેયને ભટકાવવા, અવળા પાટે ચડાવવા અને શાંતિ ડહોળવા કોઈ કૃત્ય કરશે કે કોઈ હિત શત્રુઓ રાજકીય હિત ધરાવતા વ્યક્તિઓ પોતાનો કોઈ બદઈરાદો પાર પાડવા માટે કંઈક કાંકરીચાળો કરે એવી ભીતિ સેવાય રહી છે ત્યારે વડાપ્રધાનશ્રીથી લઈને સામાન્ય જન સુધી કોઈનો પણ વિરોધ કરવાનો નથી તેમજ તેઓશ્રીની સુરક્ષા જોખમાય કે ખામી ઉભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ વિચારે નહીં માટે ક્ષત્રિય સમાજને વિનંતી છે કે વડાપ્રધાનશ્રીની ચૂંટણી સભાઓ, રેલીઓ તથા સંમેલનો જેવા કાર્યક્રમના સ્થળોએ વિરોધ કરવાથી દૂર રહી આપણુ ક્ષત્રિય અસ્મિતા સંમેલન લોકશાહી ઢબે ચાલુ રાખીને મતદાનના દિવસે 100 ટકા મતદાન આપણા ધ્યેય અનુસાર દરેક ગામ, શહેર, તાલુકા, જિલ્લા લેવલના બૂથ સુધી કરાવીએ અને શાંતિ અને ધૈર્યપૂર્વકની જવાબદારીના કામમાં ધ્યાન કેંદ્રિત કરીને સર્વ ક્ષત્રિય સમાજની સંસ્કારીતા અને શિસ્તના દર્શન કરાવીએ તેવી સૌને વિનંતી છે.