Lok Sabha 2024: આજે આવશે ભાજપની નવી યાદી, જાણો વડોદરા અને સાબરકાંઠામાં કયા સમાજના ઉમેદવારો કરાયા નક્કી ?
ગુજરાત ભાજપની ચાર બેઠકો સાથે વડોદરા અને સાબરકાંઠા બેઠક પર પણ આજે ઉમેદવારો જાહેર થઇ શકે છે
Lok Sabha Election: ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો છે, ભાજપ અને કોંગ્રેસ પોત પોતાની બેઠકો પર જબરદસ્ત પ્રચારમાં લાગ્યા છે. ગઇકાલે ભાજપમાં એક પછી એક એમ બે ટ્વીસ્ટે નવી રાજનીતિ ચર્ચાઓ શરૂ કરી દીધી હતી. ગઇકાલે સાબરકાંઠા અને વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારોએ અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. આ પછી નવી ચર્ચાઓ શરૂ થઇ હતી કે આ બન્ને બેઠકો પર બીજા કોણ કોણ દાવેદારો છે અને કોણે મળી શકે છે ટિકીટ.
ગુજરાત ભાજપની ચાર બેઠકો સાથે વડોદરા અને સાબરકાંઠા બેઠક પર પણ આજે ઉમેદવારો જાહેર થઇ શકે છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે ભાજપના નવા ઉમેદવારોની આજે યાદી જાહેર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ગઇકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક મળી હતી, જે લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી, આ બેઠકમાં ગુજરાત સહિત દેશના અન્ય લોકસભા વિસ્તારો માટેના ઉમેદવારો પર મંથન થયુ હતુ. આ બેઠકમાં ગુજરાતની રાજનીતિ અને ઉમેદવારો અંગે પણ ગહન ચર્ચા થઇ હતી. ગુજરાતની બાકીની ચાર બેઠકોના ઉમેદવારોના નામ અંગે આ બેઠકમાં ચર્ચા બાદ નક્કી થયા હોવાનું સામે આવ્યુ છે. સુત્રો અનુસાર, વડોદરા અને સાબરકાંઠા બેઠક પર અગાઉ જાહેર થયેલા ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા બાદ આ બન્ને બેઠકો પર નવા ઉમેદવારો આવશે. જેમાં વડોદરા બેઠક પર બ્રાહ્મણના સ્થાને બ્રાહ્મણ ઉમેદવાર આવી શકે છે, જ્યારે સાબરકાંઠા બેઠક પર ઠાકોર સમાજના ઉમેદવારને ટિકીટ મળી શકે છે.
ભાજપ વધુ બે બેઠકો પર ઉમેદવારો બદલશે ? વડોદરા-સાબરકાંઠા બાદ ચર્ચા
ગુજરાતમાં ભાજપ પક્ષ પોતાની તમામ બેઠકો માટે ઉમેદવારો નક્કી કરે તે પહેલા આજે સવારે ડબલ ટ્વીસ્ટ્સ આવ્યુ છે. રાજ્યમાં બે વિવાદિત બેઠકો - વડોદરા અને સાબરકાંઠા પરના ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. વડોદરા લોકસભા બેઠક પરથી રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોર સોશ્યલ મીડિયા પૉસ્ટ શેર કરીને ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે.
ગુજરાત ભાજપમાં અત્યારે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે, આજે સવારે ભાજપના વડોદરા બેઠક અને સાબરકાંઠા બેઠક પરથી ઉમેદવારોએ ના પાડી દીધી છે. સોશ્યલ મીડિયા પૉસ્ટ દ્વારા ના પાડ્યા બાદ હવે રાજ્યમાં ભાજપના વધુ બે ઉમેદવારો પણ લાઇનમાં હોવાની ચર્ચાઓ છે. હાલમાં રાજકીય વર્તુળો અને લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે, ગુજરાતમાં વધુ બે ઉમેદવારો ભાજપ બદલી શકે છે. ચર્ચા છે કે, બનાસકાંઠા અને આણંદના ઉમેદવારો ભાજપ બદલી શકે છે.
ભાજપે બનાસકાંઠા લોકસભા બેઠક પથી ડૉ.રેખાબેન ચૌધરી અને આણંદ બેઠક પરથી મિતેશ પટેલ લોકસભાની ટિકીટ આપી છે. જોકે, સુત્રો અનુસાર, બન્ને ઉમેદવારો કોંગ્રેસ સામે નબળા સાબિત થઇ શકે છે, કેમ કે બનાસકાંઠામાં કોંગ્રેસે દમદાર નેતા ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે, તો વળી, આણંદ બેઠક પરથી કોંગ્રેસે દિગ્ગજ નેતા અમિત ચાવડાને ટિકીટ આપી છે. આ બન્ને નેતાઓ સામે ભાજપના ઉમેદવારો નબળા પડી રહ્યાં હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આણંદ બેઠક - કોણ છે મિતેષ પટેલ ?
આણંદ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સાંસદ મિતેષ પટેલ પર પુનઃ વિશ્વાસ મૂકીને આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મિતેશભાઈ પટેલ કે જેઓ “બકાભાઈ” ના હુલામણા નામથી ઓળખાય છે, તેમનો જન્મ 27 મી ઓગસ્ટ, 1965ના રોજ આણંદ જિલ્લાના સારસા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓએ બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન, કર્ણાટકમાંથી ટેલિકોમ એન્જિનીયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ અને ટી.સી.) માં ડિપ્લોમા કર્યું છે. તેઓ નાનપણથી જ ભાજપ સાથે જોડાયાં હતાં અને રાજકારણમાં સતત સક્રિય છે. આગવી રાજકીય સુઝબુઝ ધરાવતાં મિતેશભાઈ ઉપર ગત ટર્મમાં ભાજપે વિશ્વાસ મુક્યો હતો અને 2019 ની લોકસભા ચૂંટણી માટે આણંદ બેઠકના ઉમેદવાર બનાવ્યાં હતાં. પ્રથમ ચૂંટણીમાં જ મિતેશભાઈ 1,97,718 મતોથી જીત હાંસલ કરી હતી.
બનાસકાંઠા બેઠક - કોણ છે ડૉ. રેખાબેન ચૌધરી ?
ભાજપે આ વખતે બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી ટિકિટ આપી છે. રેખાબેન ચૌધરી પાલનપુરના રહેવાસી છે. જેઓએ એમએસસી, એમફિલ અને મેથેમેટિક્સમાં પીએચડીનો અભ્યાસ કર્યો છે. તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક પણ રહ્યા છે. રેખાબેન ચૌધરીની ઉંમર 44 વર્ષ છે.
ડૉ. રેખાબેન ચૌધરી ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વર્ગીય ગલબાભાઇ નાનજીભાઇ પટેલના પૌત્રી છે. તેઓ મહિલા સશક્તિકરણના કાર્યોમાં સતત સક્રિય રહીને દાદાનો વારસો આગળ વધારી રહ્યા છે. રેખાબેનનો પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. ડૉ. રેખાબેન ચૌધરી અને તેમના પતિ હિતેશભાઇ ચૌધરી લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેમના પતિ હિતેશભાઇ ચૌધરી હાલ મોરબી જિલ્લાના પ્રભારી છે. આ અગાઉ તેઓ કચ્છ જિલ્લાના પ્રભારી તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. આ ઉપરાંત તેઓ બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી, યુવા મોર્ચામાં ત્રણ ટર્મ સુધી પ્રદેશ તેમજ રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવી છે.
ડૉ. હિતેશભાઇ ચૌધરી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર અને તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તથા સિન્ડિકેટ મેમ્બર પણ રહી ચુક્યા છે. આ સાથે તેઓ વિદ્યાર્થીકાળ દરમિયાન એબીવીપીમાં સક્રિય કાર્યકર્તા પણ રહ્યા છે. આ સાથે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દ્રીતીય વર્ષ શિક્ષિત સ્વયં સેવક પણ રહી ચુક્યા છે.