કેંદ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો સ્વીકારઃ કોરોનામાં નહોતો મળતો ખાટલો અને બાટલો, 'સ્મશાનમાં લાઈનો લાગી હતી'
કેન્દ્રીય મંત્રીના આ નિવેદનને લઈને પ્રદેશ કોંગ્રેસ આક્રમક બની છે.
કોરોનામાં નહોતો મળતો ખાટલો અને બાટલો. આ વાતનો સ્વીકાર કર્યો છે ખુદ કેંદ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ. અવસર હતો અમરેલીની શાંતાબા ગજેરા મેડિકલ કૉલેજમાં રૂપાલાના સન્માન કાર્યક્રમનો. આ પ્રસંગે રૂપાલાએ ભાજપના કાર્યકર મગનભાઈને કર્યા યાદ. જેમનું કોરોનાથી મૃત્યુ થયું હતું. રૂપાલાએ કહ્યું, મગનભાઈના અંતિમ સંસ્કાર તેમના ગામમાં કરવા પડ્યા હતા. કેમ કે, સ્મશાનમાં તો અગ્નિસંસ્કાર માટે લાઈન લાગી હતી. રૂપાલાએ કહ્યું કે અગ્નિસંસ્કારમાં જો લાઈન લાગતી હતી. તો સમજો કે દવા અને સારવાર માટે કેટલો સમય લાગ્યો હશે. રૂપાલાએ કોરોના વૉરિયરની કામગીરીને બિરદાવી. દર્દીના સગા-સંબંધીઓની માફી માગી હતી.
તો રૂપાલાએ કરેલા નિવેદન પર પ્રદેશ કૉંગ્રેસ આક્રમક બની છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી લખ્યુ કે, માફી નહીં, માનવ વધનો ખટલો ચલાવો. મહાણે લોખંડની ખાટલી ઓગળી તોય અહંકારી રાજની પાટલી તો ના જ પીગળી. કહેતા જાજો સરકારને કે જે કોરોના મહામારીમાં દવાખાને ખાટલા અને ઓક્સિજનનાં બાટલા પણ ના પહોંચાડી શકે. એને સત્તાના પાટલે બેસવાનો કોઈ અધિકાર નથી.