આ જિલ્લામાં હવે શાળાઓમાં પ્રાર્થના, સ્તુતિ અને ઉપદેશ પર રોક: કલેક્ટરે પરિપત્ર બહાર પાડ્યો
ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના, સ્તુતિ-ગીત અને ધાર્મિક ઉપદેશ આપવા પર રોક, ધર્માંતરણના વિવાદ બાદ વહીવટી તંત્ર આવ્યું એક્શનમાં.

Tapi collector school circular: તાપી જિલ્લામાં તાજેતરમાં ધર્માંતરણની ઘટનાઓ અને ખાસ કરીને શાળા કક્ષાએ ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના મુદ્દાએ ભારે ચર્ચા જગાવી છે. આ વિવાદ બાદ તાપી જિલ્લા વહીવટી પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને જિલ્લા કલેક્ટરે શાળાઓમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકતો મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે.
જિલ્લા કલેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO)ને મોકલેલા આ પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના કે સ્તૃતિ-ગીત ગાવા પર પ્રતિબંધ રહેશે. આ સાથે જ વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન કે ઉપદેશ આપવા પર પણ રોક લગાવવામાં આવી છે. શાળાઓમાં ધર્મપ્રચારના ઉદ્દેશ્યથી ધાર્મિક પુસ્તકોનું વાંચન કરાવવા જેવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. અધિક કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્રની અમલવારી સુનિશ્ચિત કરવાની જવાબદારી શિક્ષણાધિકારીઓને સોંપવામાં આવી છે.
આ પરિપત્ર એવા સમયે આવ્યો છે જ્યારે થોડા સમય પહેલા કથાકાર મોરારી બાપુએ તાપીના સોનગઢમાં રામકથા દરમિયાન એક શિક્ષક દ્વારા આપવામાં આવેલો પત્ર શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને સુપરત કર્યો હતો. મોરારી બાપુએ જણાવ્યું હતું કે તાપીની ૭૫ ટકા શાળાઓમાં ઇસાઈ ધર્મના શિક્ષકો છે, જેઓ સરકારનો પગાર મેળવીને ધર્મ પરિવર્તન કરાવે છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભોળા આદિવાસીઓને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં આવશે નહીં અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરે જાહેર કરેલા પરિપત્ર અંગે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના તાપી જિલ્લા મંત્રી રાકેશ ગામીતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ધર્મ પરિવર્તનને લઈને તેઓએ અગાઉ પણ અનેક વખત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે તમામ શિક્ષકો આવા નથી, પરંતુ હિન્દુ ધર્મ છોડીને વિદેશી ધર્મ અંગીકાર કરનારા કેટલાક લોકો ધર્માંતરણની પ્રવૃત્તિ કરે છે. તેમણે ધર્માંતરણની પ્રવૃત્તિ કરતા શિક્ષકોની યાદી આપવાની પણ તૈયારી દર્શાવી હતી. બીજી તરફ, સીએનઆઈ ચર્ચ વ્યારાના રૅવ તુષાર પટેલ દ્વારા પણ આ પરિપત્ર અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
જોકે, કલેક્ટરના પરિપત્રમાં એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. પરિપત્રમાં વિદ્યાર્થીઓ દ્વારા ધર્મ પ્રચાર અર્થે પ્રવૃત્તિઓ ન કરવા અંગે સૂચના અપાઈ છે, પરંતુ શિક્ષકો દ્વારા આ પ્રકારનું કાર્ય ન કરવા અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી પરિપત્રની અમલવારી અને અસરકારકતા મામલે સવાલો ઊભા થયા છે.
આમ, તાપી જિલ્લા વહીવટી તંત્રએ શાળાઓમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે આ પગલું ભર્યું છે, જે ધર્માંતરણના વિવાદના સંદર્ભમાં મહત્વનું માનવામાં આવે છે.





















