PM મોદીના ગુજરાત પ્રવાસની તડામાર તૈયારીઓ, અમદાવાદ, ભૂજમાં રોડ શોનું આયોજન
ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 મે એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદીના ભવ્ય સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે. જેમાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો ઓપરેશન સિંદૂરના શૌર્યની ઝાંખી પ્રસ્તૃત કરીને પીએમ મોદીનું સ્વાગત કરશે. અમદાવાદની જેમ ભૂજમાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાશે. જે માટે અલગ અલગ થીમ મુજમ ટેબ્લો અને સ્ટેજ તૈયાર કરાશે. 26 મેએ અમદાવાદમાં તેઓનું આગમન થશે અને રોડ શો યોજશે. ત્યારબાદ ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ કચ્છ, દાહોદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપશે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીના પ્રવાસના આયોજનને આખરી ઓપ આપવા બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.
દાહોદમાં રેલવે કારખાનાના નવીનિકરણના કાર્યક્રમ પહેલા પીએમ મોદી વડોદરામાં રોકાણ કરી અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદીના આ જ કાર્યક્રમને લઈને મહાનગરપાલિકામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીએમ મોદીના સન્માન સ્વાગત કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. મહાનગરપાલિકા કમિશનર અરૂણ મહેશ બાબુ અને મેયરએ માહિતી આપતા જણાવ્યુ કે ઓપરેશન સિદૂંરને લઈને નારી શક્તિથી પીએમ મોદીનું સન્માન કરવામાં આવશે. એરપોર્ટ બહાર એક કિલોમીટરના અંતરે 15 મિનિટનો કાર્યક્રમ રહેશે. જેમાં સામાજિક સંસ્થાઓ, સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ, તજજ્ઞો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે.
માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની પણ મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન પ્રવાસના આયોજનને આખરી ઓપ આપવાને લઈ ગઈકાલે CM નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં મુખ્યમંત્રી, સંગઠન મહામંત્રી રત્નાકર, હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે તેમજ યોગ્ય વ્યવસ્થાને લઈ કેટલાક નેતાઓને જવાબદારી પણ સોંપાઈ છે.




















