PM મોદીએ બેટદ્વારકામાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશનના કર્યા વખાણ, જાણો શું કહ્યું ?
જામનગરમાં PM મોદીએ 1448 કરોડના વિકાસ કામોની સોગાત આપી હતી. સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું હતું.
જામનગર: જામનગરમાં PM મોદીએ 1448 કરોડના વિકાસ કામોની સોગાત આપી હતી. સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું હતું. હરિપર ગામે નિર્મિત 40 મેગા વોટ ક્ષમતા વાળા સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું. આ ઉપરાંત લાલપુર બાયપાસ ફ્લાયઓવર બ્રિજ અને હાપા માર્કેટ યાર્ડ રેલવે બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. 107 કરોડના ખર્ચે બંને બ્રિજ તૈયાર થશે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકામાં થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ મામલે આજે પ્રધાનમંત્રી મોદીએ જામનગરમાં નિવેદન આપતા કહ્યું હતું કે, દરિયાઈ પટ્ટી પર જે દબાણો થયા હતા તે ચૂપચાપ સફાચટ કરી દેવાયા. આખા ગુજરાતના સમુદ્ર કિનારા પર હમણા ભૂપેન્દ્રભાઈ 'સફાઈ' કરી રહ્યા છે.
PM મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર
પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આ દરમિયાન સાંજે તેઓ જામનગર પહોંચ્યા હતા. જામનગર જિલ્લાના તેમણે 1448 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જામનગર પધારેલા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરમાં પ્રધાનમંત્રીના આગમનને લઈ લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર જોવા મળ્યા હતા. જામનગરમાં રોડ શો યોજાઈ હતો.
રોડ શોમાં અને સભા સ્થળે લોકોની હાજરી જોઈ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, 'જામનગરે આજે વટ પાડી દીધો'. જામનગરનો કોઈપણ ભાઈ કચ્છ જાય ત્યારે ભુજમાં સ્મૃતિ વન જવાનું ચૂકે નહીં. હું આજે જામનગર આવ્યો છું ત્યારે જામસાહેબ મહારાજા દિગ્વિજયસિંહને સત સત નમન કરું છું. જામસાહેબ શત્રુશલ્યસિંહજીના મારા પર ખૂબ આશીર્વાદ રહ્યા છે.
પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર અવતરણ સિંચાઈ (SAUNI) યોજના લિંક 3 (અંડ ડેમથી સોનમતી ડેમ સુધી), સૌની યોજના લિંક 1 (અંડ-1 ડેમથી સાની ડેમ સુધી) નું પેકેજ 5 અને હરીપર 40 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટનું પેકેજ 7 સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ, વીજળી, પાણી પુરવઠા અને શહેરી માળખાકીય સુવિધાઓ સાથે સંબંધિત છે.
પ્રધાનમંત્રી દ્વારા જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો તેમાં કાલાવડ/જામનગર તાલુકાની કાલાવડ જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, મોરબી-માળીયા-જોડિયા જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, લાલપુર બાયપાસ જંકશન ફ્લાયઓવર બ્રિજ, હાપા માર્કેટ યાર્ડ રેલ્વે ક્રોસિંગ અને નવીનીકરણનો, ગટર સંગ્રહ પાઇપલાઇન અને પમ્પિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે.