PM મોદીએ WHOના વડા ડૉ. ટેડ્રોસનું નામ બદલીને તુલસીભાઈ કેમ કર્યું ?, PM મોદીએ ખુદ કારણ જણાવ્યું
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના પ્રવાસના ત્રીજા દિવસે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું.
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના પ્રવાસના ત્રીજા દિવસે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં WHOના વડા ટ્રેડોસ એડનોમ, મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલ, કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા.
WHOના વડાને તુલસીભાઈ નામ આપ્યુંઃ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલવા માટે ઉભા થયા ત્યારે તેમણે મજાકમાં કહ્યું, ‘ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર ડૉ. ટેડ્રોસ મારા ખૂબ સારા મિત્ર છે. તે મને કહેતા હતા કે તેમને ભારતના શિક્ષકે ભણાવ્યા છે. આજે ડૉ. ટેડ્રોસ કહેતા હતા, હું પાક્કો ગુજરાતી બની ગયો છું. તેમણે કહ્યું મને કોઈ ગુજરાતી નામ આપો. આ કારણે હું આજથી મારા મિત્રનું નામ ‘તુલસીભાઈ’ રાખું છું. તુલસી નામ રાખવા પાછળનું કારણ સમજાવતા પીએમએ કહ્યું – તુલસી એક એવો છોડ છે, જે ભારતના આધ્યાત્મિક વારસામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આમ પીએમ મોદીએ WHOના વડા ટેડ્રોસનું નવું ગુજરાતી નામ તુલસીભાઈ રાખ્યું હતું
ગુજરાતી ભાષાનો રંગ લાગ્યોઃ
WHOના વડા ડૉ. ટેડ્રોસે પોતાના ભાષણની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. તેમણે ગુજરાતીમાં કહ્યું કે, મહાત્મા ગાંધીની ભૂમિમાં આવીને ખુશી થઈ. ત્યાર બાદ મોરેશિયસના પ્રધાનમંત્રીએ પ્રવિંદ જુગનાથે સમિટમાં સંબોધન કર્યું હતું. મોરેશિયસના પ્રધાનમંત્રીએ પણ પોતના ભાષણના અંતમાં ગુજરાતીમાં કહ્યું કે, ગુજરાતની મુલાકાત અદભુત રહી. ગુજરાતનો સત્કાર માણીને આંનદ થયો છે.
આયુષ વિઝા કેટેગરીની શરુ કરાશેઃ
ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022ના ઉદ્ઘાટનમાં તેમણે આયુષ વિઝા કેટેગરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત આમ પણ હેલ્થ ટુરિઝમ માટે જાણીતું છે. હવે હેલ્થ ટુરિઝમના વિઝામાં આયુષ કેટેગરીના સ્વરૂપમાં નવી વિઝા કેટેગરી શરૂ કરવામાં આવશે. આયુષ વિઝા કેટેગરી શરૂ કરવાથી લોકોને દેશમાં આવવામા અને વિદેશના લોકોને આયુર્વેદિક સારવાર લેવામાં સરળતા રહેશે.