Himmatnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબર ડેરીના બે પ્લાન્ટનું લોકાર્પણ અને એક પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું
Sabar Dairy : વડાપ્રધાને પાંચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કર્યુ હતું.
Himmatnagar : પ્રધાનમંત્રી મોદીએ સાબરડેરીના દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કાર્યક્રમ બાદ વડાપ્રધાને સાબરડેરીમાં પ્રદર્શન નિહાળ્યું હતું. તેમણે જીલ્લાની પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર 20 મહિલાઓ સાથે 10 મિનીટ વાર્તાલાપ કર્યો હતો. સાથે જ વડાપ્રધાને પાંચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કર્યુ હતું.
પીએમ મોદીએ ભૂરાભાઈને યાદ કર્યા
પીએમ મોદીએ જનતાને સંબોધતા કહ્યું હતું કે જે જે નવા પ્લાન્ટોનું લોકાર્પણ થયું છે અને જેનું ભૂમિપૂજન થયું છે એ સાબર ડેરીના સામર્થ્યને વધારવામાં મદદ કરશે. હું સાબર ડેરી અને આ આંદોલન સાથે જોડાયેલા તમામને હ્રદયપૂર્વક અભિનંદન આપું છું. પીએમે જનતાને ગુજરાતીમાં કહ્યું હતું કે જ્યારે સાબર ડેરીની વાત આવે અને ભૂરાભાઈની યાદ ન આવે તો વાત અધૂરી રહી જાય. ભૂરાભાઈ પટેલે દસકા પહેલા જે પ્રયાસ શરૂ કર્યો હતો, એ આજે લાખો લોકોનું જીવન બદલવામાં મદદ કરી રહ્યો છે.
સાબર ડેરીની વાત આવે તો ભુરાભાઈની યાદ આવે જ.
— Narendra Modi (@narendramodi) July 28, 2022
સાબરકાંઠામાં આવીએ ત્યારે અનેક જુની યાદો તાજી થઈ જાય. pic.twitter.com/oBiIxr4B10
સાબરકાંઠામાં રોજ કાંઈક નવું થતું દેખાય છે : પીએમ
પીએમ મોદીએ હિંમતનગરના પોતાની જૂની યાદો ને તાજી કરી અને કહ્યું કે સાબરકાંઠામાં આવીએ એટલે કાંઈ નવું ન લાગે પણ રોજ કાંઈક નવું થતું દેખાય. સાબરકાંઠામાં કદાચ કોઈક જ એવો ભાગ હશે જ્યાં મારું જવાનું ન થયું હોય. ઈડર, વડાલી, ખેડના અવાજ હું આવું એટલે મારા કાનમાં ગુંજે છે
આજે ડેરી ઉદ્યોગ એક લાખ કરોડે પહોંચ્યો : પીએમ મોદી
પીએમ મોદીએ પોતાના સીએમ વખતની ગુજરાતની વાત પણ અહીં આગળ રાખી તેમને કહ્યું ગુજરાતમાં આજે ડેરી ઉદ્યોગ એક લાખ કરોડે પહોંચ્યો છે. આજે મહિલાઓ દુધ-મંડળીઓ ચલાવી રહી છે, મધનું ઉત્પાદન બમણું થયું છે. ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટેના પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા 3 કરોડથી વધારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યાં છે.
યુરિયા ખાતર પર સબસીડીની વાત કરી
પ્લાસ્ટિકના ઉપયોગને લઈને જણાવ્યું હતું કે પશુઓની સારવાર માટે ઓપરેશન કરીએ એટલે તેમના પેટમાંથી 15-20 કિલો પ્લાસ્ટિક નીકળતું હતું. દૂધનો પૈસો મહિલાઓ પાસે જ જવો જોઈએ જેની તેમણે શરૂઆત કરાવી હતી. તેમણે વધુમાં ખેડૂતો અંગે કહ્યું કે હાલ કેન્દ્ર સરકાર ખેડૂતો ને 3500ની યુરિયા થેલી 300 રૂપિયામાં સરકાર આપે છે.બાકીના પૈસા પર સરકાર સબસિડી આપે છે.
આદિવાસી વિશેષ સંગ્રહાલય બનાવી રહી છે કેન્દ્ર સરકાર
પીએમે જણાવ્યું હતું કે શામળાજી મંદિરનો જિર્ણોદ્ધાર કરવાનો મને મોકો મળ્યો એ મારું નસીબ રહ્યું. તેમણે વિજયનગરમાં પાલ દઢવાવમાં અંગ્રેજોએ આદિવાસી શહીદોનો નર સંહાર કરેલો એમને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
પીએમે 15 નવેમ્બર ભગવાન બીરસા મુંડાના જન્મદિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઘોષીત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર દેશભરમાં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં એક વિશેષ સંગ્રહાલય પણ બનાવી રહી છે.
આદિવાસી સમાજમાંથી આવનારી દેશની દીકરી પ્રથમ વખત ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચી છે. દેશે શ્રીમતી દ્રૌપદી મૂર્મુને પોતાના રાષ્ટ્રપતિ બનાવ્યા છે. 130 કરોડથી વધુ ભારતીયો માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે.