Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી
રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર: રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.
કાલે આ જિલ્લામાં ખાબકશે વરસાદ
જુલાઇ મહિનાની શરૂઆતથી જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. આવતીકાલે એટલે 2 જુલાઇના રોજથી બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આગામી સાત દિવસ વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ સારો વરસાદ પડવાની આગાહી છે. સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગે જુલાઈ મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના 45 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાંથી વલસાડના કપરાડામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ, ડાંગના સુબિરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો. અન્ય તાલુકામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા.
છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ થઇ રહી છે, છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં મેઘરાજાએ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી કરી દીધુ છે. ઉત્તરથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા જાહેર કર્યા છે, જેમાં 191 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે અને સૌથી વધુ વરસાદ વ્યારામાં પડ્યો છે.
હવામાન વિભાગના તાજા આંકડા પ્રમાણે, ગુજરાતના 191 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ તાપીના વ્યારામાં 3.82 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગરના કાલાવાડમાં 3.2 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના કલોલમાં 3.11, પોરબંદરના રાણાવાવમાં 3.07 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 16 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ઘણા તાલુકાઓમાં સામાન્યથી લઈને હળવો વરસાદ વરસ્યો છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના સૌરાષ્ટ કચ્છમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત તથા નવસારી માં ભારેોતા અતિભારે વરસાદની શક્યતા છે. વડોદરા, ખંભાત, બોડેલી, મહીસાગર, પંચમહાલ, તાપી નર્મદાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ, થરાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દસાડા, માંડલ આજુબાજુના વનપરડી, કડવાસણ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. સાણંદ, ધોળકા, લખતર, લિંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, ચોટીલા તથા થાનના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.





















