Gujarat Rain: આજે રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે.
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે. દક્ષિણ રાજસ્થાનમાં સિસ્ટમ અને વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, અરવલ્લીમાં કરા સાથે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે . વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે.
આજે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે. 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે.
રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું અનુમાન છે. પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ,નવસારી, વલસાડ, તાપીમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ, કચ્છ જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે.
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, કાલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. કાલે આણંદ, વડોદરા, ભરૂચમાં માવઠાની શક્યતા છે. કાલે કપડવંજ, તાપી, નર્મદા સહિતના ભાગોમાં માવઠાનું અનુમાન છે. 10 મીમીથી 1 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. ઉત્તરાયણ સુધીમાં ફરી માવઠાનું અનુમાન છે. તુવેર, રાઈ સહિત શાકભાજીના પાક બગડશે. શાકભાજીના પાકમાં ઈયળ પડવાની શક્યતા છે. અજમો સહિતના મસાલાના પાકમાં પણ રોગ આવી શકે છે.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે માવઠું પડ્યું હતું. મળતી જાણકારી અનુસાર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં માવઠું પડ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર પંથકમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉભરાણ, સુલપાણેશ્વર સહિતના ગામડાઓમાં મોડી રાત્રે માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને પગલે ઘઉં, ચણા, જીરું, બટાકા, રાયડાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો