Gujarat Rain: આજે પણ આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, જાણી લો હવામાનનું લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદ: રાજ્યમાં વરસાદ સતત વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે.
આજે આ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન
મુંબઇ સુધી ચોમાસુ પહોંચી ગયું છે. પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઇ. હવામાન વિભાગે પણ રાજયમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત નથી કરી. ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો પરંતુ ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે.
હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં હાલ એવી કોઇ સિસ્ટમ સક્રિય નથી જેના થકી ગુજરાતમાં ઝડપથી ચોમાસાનું આગમાન થાય. ઉલ્લેખનિય છે કે, પૂર્વાતર રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દીધી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાઇ જતાં મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું વહેલું આગમન થઇ ગયું છે. ટૂંકમાં રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમન ન હોવાથી તેમજ ચોમાસાના વરસાદને લાવતી કોઇ સિસ્ટમ ન હોવાથી રાજ્યમાં ચોમાસાના આગામન માટે હજુ આપણે રાહ જોવી પડશે. હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાને લઈ હજુ કોઈ આગાહી હવામાન વિભાગે નથી કરી.





















