Rain: વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ, આજથી મગફળી, કપાસ અને કઠોળના પાકનું વાવતર કર્યુ શરૂ...
Rain Forecast News: હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

Rain Forecast News: અમદાવાદ: હાલ રાજ્યમાં આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, તો રાજ્યનાં અનેક ભાગમાં વરસાદી માહોલ જામ્યો છે. આ બધાની વચ્ચે ખેતી માટે વાવણીલાયક વરસાદ પડવાથી ખેડૂતોએ વાવેતરના મંડાણ કર્યા છે. રાજકોટ જિલ્લામાં વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. આજથી ખેડૂતોએ મગફળી, કપાસ,સોયાબીન અને કઠોળના પાકનું વાવેતર શરૂ કરી દીધુ છે.
દક્ષિણ ભારતમાંથી હવે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી એક-બે દિવસમાં થઇ રહી છે, અત્યારે પ્રિ-મૉનસૂન વરસાદથી જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તાજા અપડેટ પ્રમાણે, રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. હાલમાં જ પડેલા વાવણીલાયક વરસાદથી રાજકોટ જિલ્લામાં ખેડૂતોએ ખેતીની કામગીરી શરૂ કરી દીધી છે. ખેડૂતોએ આજથી વાવેતરના મંડાણ કર્યા છે, લોધિકા, ગોંડલ અને રાજકોટ તાલુકામાં વરસાદી પાણીથી ખેડૂતોએ મગફળી, કપાસ,સોયાબીન અને કઠોળના પાકનું વાવેતર કર્યુ છે, રાજકોટ જિલ્લામાં ગઈકાલે સરેરાશ બે થી ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ અને સુરત તેમજ અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
આગામી 15 મી જૂનના રોજ ભાવનગર, અમરેલી, રાજકોટ, વલસાડ, નવસારી, સુરત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, વડોદરા અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 જૂનના રોજ ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, અમદાવાદ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, તાપી, ડાંગ અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 18 અને 19 જૂનના રોજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.





















