Gujarat Rain: અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી મોટી આગાહી, આ દિવસે પડશે વરસાદ
ગુજરાતમાં વરસાદને લઈ ફરી એક વખત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું રાજ્યમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે.
ગાંધીનગર: ગુજરાતમાં વરસાદને લઈ ફરી એક વખત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું રાજ્યમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં 5 જાન્યુઆરી સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે કહ્યું જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ બાદ હવામાનમાં પલટો આવશે. ઉત્તરાયણમાં રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 26થી 27 ડિસેમ્બરમાં રાજ્યના હવામાનમાં અચાનક પલટો આવવાની શક્યતા છે. વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો વધશે.
રાજ્યમાં ઠંડીની સાથે-સાથે માવઠાની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠાની શક્યતા છે. જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.
નવેમ્બરના માવઠાથી રાજ્યમાં 83 કરોડના પાક ધોવાયા
રાજ્યમાં ગયા નવેમ્બર મહિનામાં થયેલા માવઠાથી ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચ્યુ છે. રાજ્યના ખેડૂતોને કેટલુ નુકસાન પહોંચ્યુ છે, અને કયા કયા પાકોને નુકસાન થયુ છે, તે અંગે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 83.80 કરોડ રૂપિયાનુ નુકસાન ખેડૂતોના પાકને થયુ છે.
મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં નવેમ્બર મહિનામાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ચોમાસાની જેમ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, આ સમયે રાજ્યમાં રવિ પાક હતો અને આ તમામ પ્રકારના રવિ પાકને મોટુ નુકસાન પહોંચ્યુ હતુ. ગયા નવેમ્બરમાં થયેલા માવઠાથી રાજ્યના 5 હજારથી વધુ ખેડૂતોને નુકશાન થયુ છે. રાજ્યના 1747 ગામમાં ખેતીના પાકમાં માવઠાની અસર થઇ છે. 98813 હેક્ટર જમીનની અંદરના ઉભા પાકને નુકશાન થયાનો અંદાજ છે. અંદાજિત ખેડૂતોને 83.80 કરોડ રૂપિયાનું નુક્શાન થયાનો અંદાજ છે. આ માવઠાથી રાજ્યમાં જીરું, સવા, ઇસબગુલ, વરિયાળી, અજમો જેવા પાકમાં નુકસાન પહોંચ્યુ છે, આ ઉપરાંત દિવેલા કપાસ, રાય, ડાંગર, મકાઈ જેવા પાકમાં પણ નુકસાન થયાનો અંદાજ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક વધારો થશે. હવામાન વિભાગે બે દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ શહેરમાં 16.7 ડિગ્રી તાપમાન જ્યારે મહત્તમ તાપમાન અમદાવાદમાં 26 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.