(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, જાણો ક્યાં પડ્યો વરસાદ અને ખેડૂતોને કેટલું થયું નુકસાન
ગીર સોમનાથમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
રાજ્યમાં આજે પણ માવઠાનું સંકટ યથાવત છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો સૌથી વધુ ચિંતિત છે. ઘઉં, ચણા, કપાસ, તુવેર અને શેરડી સહિતના પાકને માવઠાંના કારણે ઘણું નુકસાન થયું છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં રખાયેલો ખેતપેદાશોનો જથ્થો પલળી ગયો હોવાના બનાવ પણ રાજ્યમાં ઘણાં સ્થળો પર સામે આવ્યા છે.
આજે રાજ્યના મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બુધવારે સૌરાષ્ટ્રમાં ફરી એક વાર માવઠાંરૂપી મુસીબત વરસી હતી જેમાં અમરેલી જિલ્લાના ખાંભામાં અને સોમનાથ જિ.ના ઉનામાં ૧ ઈંચ વરસાદ અને ઉના પાસેના કેંદ્ર શાસિત દીવમાં ધોધમાર ૩ ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે.
તાલાલા પંથકના આંબાથી માંડીને સૌરાષ્ટ્રમાં સોમનાથ,અમરેલી,જુનાગઢ પંથકમાં જીરુ, ઘંઉ, કપાસ, ચણા, લસણ, ડુંગળી સહિતના કૃષિપાકને નુકશાન થયાના તથા માર્કેટ યાર્ડની ખરીદ-વેચાણની કામગીરી ખોરવાઈ ગયાના અહેવાલ મળ્યા હતા. તો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડામાં દોઢ ઇંચ જ્યારે કામરેજ, બારડોલી, ચોર્યાસી, માંગરોળ, પલસાણા અને સુરત સિટીમાં અડધો ઇંચ વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું.
ગીર સોમનાથમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સુત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પાણીમાં પલળી જતાં મોટુ નુકસાન થયું છે. લગભગ 200 થી 300 ગુણી જથ્થો પલળ્યો હોવાની સંભાવના છે. આ જથ્થાને ટેકાના ભાવે ખરીદવાનો હતો પણ હાલ મગફળીનો જથ્થો રવાના કરી દેવાયો છે.
દાહોદમાં વરસાદ
આજે પણ યથાવત રહ્યો છે કમોસમી વરસાદનો કહેર. હાલ દાહોદ જિલ્લામાં માવઠાનો માહોલ છે. હવામાન વિભાગે કરેલી અગાહી પ્રમાણે રાત્રિથી દાહોદમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે પણ વરસાદ ચાલુ રહ્યો છે. હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. દાહોદ ઉપરાંત લીમડી, ઝાલોદ, દેવગઢ બારીયા, સિંગવડ, ધાનપુર, લીમખેડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે..બે દિવસથી વરસાદી માહોલ હોવાથી ઠંડીમાં વધારો થયો છે.