Rain: રાજ્યમાં માવઠાની મોટી આગાહી, આ 10 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે
RainFall News: હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યમાં ગરમી વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે

RainFall News: છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યમાં વાતાવરણ પલટાયુ છે, ક્યાંક ગરમી પડી રહી છે, તો ક્યાંક કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. એટલુ જ નહીં દિવસ અને રાત દરમિયાન પણ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. આજે ઉત્તર અને દક્ષિણની સાથે સાથે મધ્ય ગુજરાતમાં માવઠું થઇ શકે છે. માવઠાને લઇને 10થી વધુ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જો માવઠુ થશે તો કેરી અને ચીકુ જેવા પાકને નુકસાનની પણ ભીતિ સેવાઇ રહી છે.
એપ્રિલ મહિનાની શરૂઆત થતાની સાથે જ રાજ્યમાં ભીષણ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યમાં ગરમી વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, ત્યારે આ બધાની વચ્ચે સમાચાર છે કે, રાજ્યમાં માવઠાની સ્થિતિ પણ સર્જાઇ છે. હવામાનના તાજા અપડેટ પ્રમાણે, રાજ્યના આકરી ગરમીની આગાહી વચ્ચે કેટલાક સ્થળે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. આગામી 24 કલાક રાજ્યના કેટલાક જિલ્લામાં માવઠાનું અનુમાન છે, જેમાં આજે અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
કઈ સિસ્ટમને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની કરાઈ છે આગાહી ?
હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આજે ક્યાંક હિટવેવની સ્થિતિ તો ક્યાંક કમોસમી વરસાદ પડશે. આગામી ચાર દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. 45 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ટ્રફ અને સાયકલનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં તોફાન જેવા પવન ફૂંકાશે. બંગાળની ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી અને એપ્રિલની શરુઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ છે.





















