Rain Alert: નવસારી, વલસાડ અને ડાંગમાં તૂટી પડશે ધોધમાર, વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે શુક્રવારે (5 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે.

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે શુક્રવારે (5 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. આજે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જેમાં સુરત, તાપી, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદનો સમાવેશ થાય છે. જ્યારે કેટલાક જિલ્લામા મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે.
રેડ એલર્ટઃ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
ઓરેન્જ એલર્ટઃ તાપી, સુરત, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદ
યલો એલર્ટઃ દીવ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી.
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે. ગઈકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. આજે પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં 8.5 ઇંચ અને માંગરોળમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે કીમ નદીનું પાણી ખતરાના નિશાનથી ઉપર છે. માંગરોળના મોટા બોરસરા ગામના પાદર વિસ્તારમાં નદીનું પાણી ઘૂસી ગયું છે, જેના કારણે ઘણા ગામોનો માર્ગ સંપર્ક કપાઈ ગયો છે. પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકોને અવરજવર અને રોજિંદા કાર્યોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતની કીમ નદી અને વડોદરાની નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે.જેના કારણએ અનેક ગામડાઓ પ્રભાવિત થયા છે અને રસ્તાનો સંપર્ક તૂટી ગયો છે. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. ગુજરાતના સુરત અને વડોદરા જિલ્લામાં સતત ભારે વરસાદથી પરિસ્થિતિ વધુ વણસી છે.
સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં 108 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 80 ડેમ 100 ટકા ભરાયેલા છે. આ સિવાય 30 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર છે. જ્યારે 67 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા અને 18 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.





















