Republic Day 2022: પદ્મશ્રી મેળવનારાં રમીલાબેને પોતાના ગામને એક જ વર્ષમાં ખુલ્લામાં શૌચ મુક્ત બનાવ્યું છે......
રમીલાબહેન ગામીતે પોતાના ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા ક્ષેત્રે સુંદર કામગીરી કરી એ બદલ એવોર્ડ મળ્યો છે.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે મંગળવારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ યાદીમાં ગુજરાતના સાત મહાનુભાવોનાં નામ છે. ગુજરાતમાંથી સ્વામી સચ્ચિદાનંદ (સાહિત્ય અને શિક્ષણ)ને પદ્મભૂષણ એવોર્ડ અપાયો છે જ્યારે ડૉ. લતા દેસાઈ (મેડિસિન), માલજીભાઈ દેસાઈ (જાહેર સેવા), ખલીલ ધનતેજવી (સાહિત્ય અને શિક્ષણ), સવજીભાઈ ધોળકિયા (સમાજ સેવા), જે.એમ. વ્યાસ (સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ) અને રમિલાબહેન ગામિત (સમાજ સેવા)ની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઈ છે.
આ પૈકી રમીલાબહેન ગામીતે પોતાના ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા ક્ષેત્રે સુંદર કામગીરી કરી એ બદલ એવોર્ડ મળ્યો છે. રમીલાબેને સંપૂર્ણ આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટાપરવાડા ગામમાં શૌચાલયો બનાવીને સ્વચ્છતા ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું છે. રમીલાબહેન ગામીતે એક નાનકડા ગામમાં રહી સ્વચ્છતા ક્ષેત્રે સુંદર કામગીરી કરી છે. તેમની આ સામાજિક સેવા ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે તેમને પદ્મશ્રી અવૉર્ડ માટે પસંદ કર્યા છે. રમીલાબેન ગામીતને પદ્મશ્રી મળતાં તાપી જિલ્લાને ગૌરવ પ્રાપ્ત થયું છે.
સોનગઢ તાલુકાના ટાપરવાડા ગામ ખાતે રહેતાં રમીલાબહેન ગામીત ગામમાં જ નેહા સખીમંડળનું ચલાવે છે. આ સખીમંડળના માધ્યમથી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. 2017માં રમીલાબેને સ્વચ્છ ભારત મિશન સાથે જોડાઈ ગામમાં દરેક ઘરમાં શૌચાલય ઊભું કરવાનું કાર્ય હાથ ધર્યું હતું. આ અભિયાન સફળતાપૂર્વક પાર પણ પાડ્યું છે. તેમના ગામમાં પ્રથમ વર્ષમાં જ 170 જેટલાં સુવિધા યુક્ત શૌચાલયો બનાવ્યાં હતાં.
રમીલાબેને થોડા જ સમયમાં ટાપરવાડા ગામના દરેક ઘરમાં શૌચાલય તૈયાર બનાવડાવીને સાચા અર્થમાં ગાનેમ ખુલ્લામાં શૌચ મુક્ત બનાવી દીધું છે. આ કાર્યમાં રમીલાબહેનની સાથે સખી મંડળની બહેનો પણ જોડાઈ હતી.
આ કામગીરીની નોંધ વડાપ્રધાન કાર્યાલયે પણ લીધી હતી. તેમને આ કાર્ય માટે ઘણી સામાજિક સંસ્થાઓ અને સરકાર દ્વારા જુદા જુદા અવૉર્ડ મળી ચૂક્યા છે. રમીલાબહેને અને તેમની ટીમ પોતાના ગામ અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા ગામોમાં શૌચાલય બનાવવાની કામગીરી સાથે સતત જોડાયેલી છે.