(Source: ECI/ABP News/ABP Majha)
સરકાર સાથે બેઠકમાં કોઈ સમાધાન ન આવતા રેસિડેન્ટ ડોક્ટરો ફરી આજથી હડતાળ પર
ઇમરજન્સી અને કોવિડની શરૂ કરેલ સેવાઓ પણ આજથી પરત લેવાની જાહેરાત કરી છે. અને જ્યાં સુધી તમામ માંગણી સંતોષાય નહિ ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા ચીમકી ઉચ્ચારી છે.
આરોગ્ય મંત્રી નાયબ મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ ફરી એક વખત રેસિડેન્ટ તબીબોનો યુ ટર્ન. સંતોષકારક ઉત્તર ન મળતા રેસિડેન્ટ તબીબો ફરી હડતાળ ઉપર ઉતરવાની જાહેરાત કરી છે. ઇમરજન્સી અને કોવિડની શરૂ કરેલ સેવાઓ પણ આજથી પરત લેવાની જાહેરાત કરી છે. અને જ્યાં સુધી તમામ માંગણી સંતોષાય નહિ ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા ચીમકી ઉચ્ચારી છે.
આજે સવારે 10 વાગ્યાથી તમામ રેસિડેન્ટ તબીબો બી.જે.મેડિકલ ખાતે એકઠા થશે. રેસિડેંટ ડોક્ટરોની હડતાળ મુદ્દે બુધવારે સરકાર અને ડોક્ટરો વચ્ચે વાટાઘાટો થઈ. જો કે મોડી રાત સુધી કોઈ સમાધાન ન થતા ડોક્ટરોએ ઈમરજન્સી ડ્યૂટી અને કોવિડ ડ્યૂટી બંધ કરવાની જાહેરાત કરી છે.
સરકારે બોન્ડ મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ પાછી ખેંચાય તે માટે રેસિડેન્ટ ડોક્ટરોને સમજાવવા માટે બી.જે.મેડિકલ કોલેજના ડીન તેમજ જીએમસી પ્રેસિડેન્ટ અને સિવિલ હોસ્પિટલના સુપ્રિ.સહિતના ત્રણ સભ્યોની કમિટી બનાવી હતી અને ગઈકાલે સવારે રેસિડેન્ટ ડોક્ટરોને બોલાવીને સમજાવવામાં આવ્યા હતા.
ગઈકાલે સવારે વાતચીત દરમિયાન ડોક્ટરો અને યુનિયર ડોક્ટરો ઇનરજન્સી સેવામાં જોડાઈ ગયા હતા પરંતુ હડતાલ ચાલુ રાખી હતી. બાદમાં મોડી રાતે ગાંધીનગરમાં ફરી મીટિંગ બોલાવી હતી. સરકાર તરફથી રેસિડેન્ટ ડોક્ટર્સને ખૂબ જ સમજાવવામા આવ્યા હતા પરંતુ મીટિંગમાં કોઈ પણ નિરાકરણ ન આવતા અને લેખિત ખાત્રી ન મળતા હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો અને ફરીથી આજથી ઇનરજન્સી સેવાથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.
સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને બી.જે.કોલેજના ડીન સહિતના સરકારના સભ્યો સાથે રેસિડેન્ટ ડોક્ટરો-એસો. સાથે બુધવારે મોડી રાત સુધી મીટિંગ ચાલી હતી.પરંતુ સરકાર સંપૂર્ણ રીતે બોન્ડના નિયમમાં ફેરફાર કરવા તૈયાર નથી બીજી બાજુ રેસિડેન્ટ ડોક્ટરો પણ પોતાની માંગ પર મક્કમ છે અને તેના કારણે આ મામલે કોઈ સમાધાન હજુ સુધી આવ્યું નથી.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસની તબીબો પોતાની પડતર માગોને લઇ હડતાળ કરી રહ્યાં છે. સરકારની હોસ્ટેલ ખાલી કરાવવાની ચેતવણી છતાં ડોક્ટરો પોતાની માગ પર અડગ છે. ત્યારે ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તબીબો પોતાની પડતર માગને લઇ હડતાળ પર ઉતર્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં તબીબોએ મોટી સંખ્યામાં એકઠાં થઇ ભારે સૂત્રોચાર કર્યા હતા.