બનાસકાંઠામાં બેફામ ડમ્પરનો કહેર, બાઈકને ટક્કર મારતા પિતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, પુત્રીનો આબાદ બચાવ
પાંથાવાડા-ગુંદરી હાઈવે પર ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા પિતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, વિસ્તારમાં રોષ.

Gujarat Accident News: બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર બેફામ દોડતા ડમ્પરનો કહેર જોવા મળ્યો છે. પાંથાવાડા-ગુંદરી હાઈવે પર સર્જાયેલા એક ગોઝારા અકસ્માતમાં ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે પાછળ બેઠેલી પુત્રીનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુંદરી ગામના રહેવાસી રણછોડભાઈ મફાજી ઠાકોકોર પોતાની પુત્રીને પાંથાવાડા દવાખાને સારવાર કરાવીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે પાંથાવાડા-ગુંદરી હાઈવે પર એક બેફામ ગતિએ દોડી રહેલા ડમ્પર ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રણછોડભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જો કે, બાઇકની પાછળ બેઠેલી તેમની પુત્રીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો અને તેને કોઈ ગંભીર ઈજાઓ પહોંચી નહોતી.
આ ઘટનાની જાણ થતાં જ પાંથાવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ડમ્પરને કબ્જે લઈને ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
આ અકસ્માતને પગલે વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ હાઈવે પર ડમ્પર ચાલકો બેફામ રીતે વાહનો ચલાવે છે અને તંત્ર દ્વારા તેમને રોકવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. જેના કારણે આવા અકસ્માતો વારંવાર બનતા રહે છે અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. લોકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કડોદરા ચાર રસ્તા પાસે ગોઝારો અકસ્માત, માતા-પુત્રનું કમકમાટીભર્યું મોત
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ચાર રસ્તા નજીક ગત 10 તારીખે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસની રાહ જોઈ રહેલા બારડોલીના એક જૈન પરિવારને એક કાળમુખા ટ્રેલરે અડફેટે લેતા માતા અને તેમના ચાર વર્ષના પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, બારડોલીનો આ જૈન પરિવાર મુંબઈ જવા માટે કડોદરા ચાર રસ્તા પાસે બસની રાહ જોઈને ઊભો હતો. તે દરમિયાન એક ટ્રેલરચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યું હતું. રસ્તા વચ્ચે અચાનક એક રીક્ષા આવી જતા તેને બચાવવાના પ્રયાસમાં ટ્રેલરચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.
ટ્રેલર પહેલા રોડની બાજુમાં લગાવેલા પતરા સાથે અથડાયું હતું અને ત્યારબાદ બસની રાહ જોઈ રહેલા પરિવારને કચડી નાખ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં માતા અને તેમના માસુમ પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યોનો આબાદ બચાવ થયો હતો.
આ ઘટનાની જાણ થતા જ કડોદરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટ્રેલરચાલકની ધરપકડ કરી લીધી છે અને તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.





















