(Source: ECI/ABP News/ABP Majha)
સુવાળાએ જેને મોટા ભાઈ ગણાવેલા એ 'આપ'ના ટોચના નેતાની વાત ના માની ને ભાજપમાં જોડાઈ ગયા, સુવાળાને મનાવવા કોણ ગયેલું ?
અમદાવાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પડેલા એક મોટા ફટકામાં જાણીતા ગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પડેલા એક મોટા ફટકામાં જાણીતા ગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળાએ બે દિવસ પહેલાં રાજીનામું આપી દીધું હતું. 'આપ'માં જોડાયાના ચાર મહિનામાં જ ગાયક વિજય સુવાળાએ 'આપ'માંથી રાજીનામું આપી દીધું હતું અને હવે સુવાળા ભાજપમાં જોડાઈ ગયા છે.
'ભુવાજી' તરીકે જાણીતા વિજય સુવાળાએ 'આપ'માંથી રાજીનામું આપતાં ગુજરાતમાં 'આપ'ના નેતા દોડતા થઈ ગયા હતા. સુવાળાના આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે ગયા હતા. ઈસુદાન ગઢવીના ભારે પ્રયત્નો છતાં વિજય સુવાળા પોતાના નિર્ણયથી ટસના મસ થયા નહોતા. એક સમયે ઈસુદાન ગઢવીને પોતાના મોટા ભાઈ ગણાવનારા સુવાળા મોટા ભાઈને છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.
સુવાળાને મળ્યા પછી ઈસુદાને જાહેરાત કરી હતી કે, સુવાળા માની ગયા છે અને પક્ષમા રહેવા વિચાર કરી રહ્યા છે પણ સુવાળાએ એ પછી ભાજપમાં જોડાવાની જાહેરાત કરીને આમ આદમ પાર્ટીને આંચકો આપી દીધો હતો. સુવાળાએ સોમવારે બપોરે 12 વાગ્યે ભાજપના મુખ્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હસ્તે ભાજપનો કેસરસિયો ખેસ પહેર્યો હતો.
આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા લોકગાયક વિજય સુવાળા જૂન મહિનામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં 'આપ'માં જોડાયા બાદ વિજય સુવાળા અત્યંત સક્રિય હતા. ઉત્તર ગુજરાતમાં અનેક કાર્યક્રમો યોજી રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
'આપ'એ સુવાળાને પ્રદેશ ઉપપ્રમુખ બનાવી સંગઠનમા સ્થાન પણ આપ્યું હતું પણ ત્યાર બાદ ધીમે ધીમે વિજય સુવાળા નિષ્ક્રીય થઈ ગયા હતા. વિજય સુવાળા છેલ્લાં કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપતા નહોતા. રાજીનામું આપ્યા બાદ વિજય સુવાળાએ સ્પષ્ટ રીતે ભાજપમાં જોડાવાની વાતનો ઈન્કાર કર્યો નહોતો પણ હવે તે ભાજપમાં જોડાઈ ગયા છે.