વ્યાજખોરો સામે સરકારની તવાઈ, સ્પેશિયલ ડ્રાઈવમાં 565 આરોપીઓ સામે 323 ગુનાઓ દાખલ કર્યા
સમગ્ર ડ્રાઇવ દરમિયાન યોજાયેલા ૧૬૪૮ લોકદરબારમાં ૭૫ હજાર જેટલા નાગરિકો જોડાયા
- વ્યાજખોરો સામે તા.૩૧ જુલાઇ સુધી ચલાવેલી સ્પેશિયલ ડ્રાઇવમાં ૫૬૫ આરોપીઓ સામે ૩૨૩ ગુનાઓ દાખલ : ૩૪૩ આરોપીની અટકાયત કરાઇ
- સમગ્ર ડ્રાઇવ દરમિયાન યોજાયેલા ૧૬૪૮ લોકદરબારમાં ૭૫ હજાર જેટલા નાગરિકો જોડાયા
- અનધિકૃત વ્યાજખોર બચે નહિ અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી રખાઇ
Usurers special drive: વ્યાજના ચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને તેમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા તા.૨૧/૦૬/૨૦૨૪થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધી રાજ્યભરમાં ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા ૫૬૫ આરોપીઓ સામે કુલ ૩૨૩ ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ૩૪૩ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચલાવાયેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં કોઇ અનધિકૃત વ્યાજખોર બચે નહિ અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. પોલીસે કરેલી આ કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં ઉપરાંત અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે.
સમગ્ર ડ્રાઇવ દરમિયાન રાજ્યભરમાં ૧૬૪૮ લોકદરબાર યોજવામાં આવ્યા હતાં. જેમાં ૭૫ હજાર જેટલા નાગરિકો જોડાયા હતાં. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. આ લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા ને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.