ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ત્રાટકશે
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી શક્યતા છે.

અમદાવાદ : ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી શક્યતા છે. રાજ્યમાં 24થી 31 મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 24 મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ એક્ટિવ થશે અને 26મે ના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. જેની અસરથી પણ વરસાદનું અનુમાન છે. 23 થી25 મે દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનુંઅનુમાન છે. ખાસ કરી વલસાડ,ડાંગ,નવસારી,તાપી,સુરત,નર્મદા,ભરૂચ, છોટાઉદેપુર,વડોદરા,ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર,રાજકોટ,જૂનાગઢ,બોટાદ,સુરેન્દ્રનગર,દ્વારકા,જામનગર,પોરબંદર,મોરબી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.
અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10થી 12 ઈંચ વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસશે. મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ વરસી શકે છે. મુંબઈ- સુરત વચ્ચે ગમે ત્યાં દરિયાકાંઠે વાવાઝોડું લેન્ડફોલ થઈ શકે છે.
અંબાલાલના જણાવ્યા અનુસાર, અરબ સાગરના મધ્યભાગમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારમાં 65થી 75 કિમી ઝડપે પવન ફૂંકાશે. 28 મે આસપાસ વાવાઝોડું ટકરાઇ શકે છે. અરબ સાગરમાં વધેલી હલચલને લઈ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયામાં ચક્રવાત ઉદભવતું હોવાની શક્યતા છે. વાવાઝોડુ સર્જાશે તો 100 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની આશંકા સેવાઇ રહી છે.
ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ચોમાસુ વહેલું હોવાથી આ વરસાદને પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ જોઇ શકાય છે. રાજ્યમાં 8 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું બેસી જવાની શક્યતા છે. જેના પગલે 21 મેથી જ રાજ્યના અનેક વિસ્તારમા વરસાદી માહોલ જામે કેવી શકયકા છે. 21 મેથી 25 મે સુધી રાજ્યમાં વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. તો સિસ્ટમની અસરના ભાગરૂપે મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.





















