(Source: Poll of Polls)
Morbi bridge collapse: 143 વર્ષ અગાઉ મોરબીના રાજાએ બનાવ્યો હતો કેબલ બ્રિજ, જાણો મોરબીના ઝૂલતા પુલનો ઇતિહાસ
મોરબી જિલ્લામાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડતા 140 લોકોના મોત થયા હતા
મોરબીઃ મોરબી જિલ્લામાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડતા 140 લોકોના મોત થયા હતા. આ કેબલ બ્રિજ 143 વર્ષ જૂનો હતો જે 30 ઓક્ટોબર 2022 રવિવારના રોજ અકસ્માતનો ભોગ બન્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી બ્રિજ આઝાદી પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. મચ્છુ નદી પર બનેલો આ પુલ મોરબીનું મુખ્ય પ્રવાસન સ્થળ હતું.
મોરબીનો કેબલ બ્રિજ ક્યારે બંધાયો?
કેબલ બ્રિજ મોરબીના રાજા વાઘજી રાવ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેનું ઉદ્ઘાટન 1879માં થયું હતું. બ્રિટિશ એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવેલા આ પુલના નિર્માણમાં લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રિટિશ શાસનમાં બનેલો આ પુલ સારી એન્જિનિયરિંગનું પ્રતિક રહ્યો છે. રાજકોટ જિલ્લાથી 64 કિલોમીટર દૂર મચ્છુ નદી પર બનેલો આ પુલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 765 ફૂટ લાંબો અને 4 ફૂટ પહોળો આ બ્રિજ ઐતિહાસિક હોવાને કારણે ગુજરાત પ્રવાસનની યાદીમાં પણ સામેલ થયો હતો.
મોરબી બ્રિજ એન્જિનિયરિંગનું જીવંત ઉદાહરણ હતું
બ્રિટિશ એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવેલ આ પુલને એડવાન્સ એન્જિનિયરિંગનું જીવંત ઉદાહરણ માનવામાં આવતું હતું. ગુજરાત રાજ્યનો મોરબી જિલ્લો મચ્છુ નદીના કિનારે આવેલો છે. આ જ નદી પર મોરબી કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ પુલ મોરબીના રાજા પ્રજાવત્સલ્ય વાઘજી ઠાકોરના રજવાડા દરમિયાન બાંધવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે રાજા મહેલમાંથી મોરબી બ્રિજ થઈને રાજદરબારમાં જતા હતા.
સમારકામ બાદ પુલ ફરીથી ખુલ્લો મુકાયો હતો
બ્રિજની જાળવણીની જવાબદારી ઓરેવા ગ્રુપની છે. આ જૂથે માર્ચ 2022 થી માર્ચ 2037 સુધી 15 વર્ષ માટે મોરબી નગરપાલિકા સાથે કરાર કર્યો હતો. આ બ્રિજ 5 દિવસ પહેલા સમારકામ બાદ લોકો માટે ખુલ્લો મુકાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજ પર ક્ષમતા કરતા વધારે લોકો હાજર હતા જેના કારણે આ દુર્ઘટના બની હતી.
મોરબી બ્રિજ કેવી રીતે તૂટ્યો?
મોરબી બ્રિજ 30 ઓક્ટોબર, રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. બ્રિજ પર લગભગ પાંચસો લોકો હાજર હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 140 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ લાપતા છે, જેના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એનડીઆરએફની ડઝનબંધ ટીમોએ રાતભર નદીમાં લોકોને શોધ્યા હતા. અકસ્માતની તપાસ માટે 5 લોકોની SITની રચના કરવામાં આવી છે. 5 દિવસના સમારકામ બાદ બ્રિજ કેવી રીતે અકસ્માતનો શિકાર બન્યો અને તેના માટે જવાબદાર કોણ તે એક સવાલ છે.