ચાર દિવસથી ચાલતી સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ સમેટાઈ, રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય
સસ્તા અનાજની દુકાનોના વિતરકોની હડતાળ સમેટાઈ ગઈ છે. મંત્રી રમણ સોલંકી સાથેની આગેવાનોની બેઠકમાં સરકારે માંગણી સ્વીકારતા આગેવાનોએ હડતાળ સમેટી છે.

ગાંધીનગર: સસ્તા અનાજની દુકાનોના વિતરકોની હડતાળ સમેટાઈ ગઈ છે. મંત્રી રમણ સોલંકી સાથેની આગેવાનોની બેઠકમાં સરકારે માંગણી સ્વીકારતા આગેવાનોએ હડતાળ સમેટી છે. કમિશનમાં પ્રતિ કિલો રૂ. 3 આપવાની માંગણી સ્વિકારી છે. મીનીમમ કમિશન મહિને રૂ. 30 હજાર કરવાની માંગ સ્વિકારવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં અનાજની દુકાનોના વિતરકો હડતાળ પર હતા.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે માંગણીઓ સ્વીકારી
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે માંગણીઓ સ્વીકારી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ નાણાં વિભાગને દરખાસ્ત મોકલશે. 15 દિવસમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ નાણાં વિભાગને દરખાસ્ત કરશે. 97 ટકાથી ઘટાડી 94 ટકા વિતરણ કરવાની માગણી સ્વીકારી છે. દુકાનદારો ચલણ જનરેટ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
ગાંધીનગરમાં આજે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી
રાજ્યભરના રેશનિંગ દુકાનધારકોની હડતાળનો આજે અંત આવ્યો. અનાજ વિતરકોની છેલ્લા 4 દિવસથી હડતાલ પર હતા. આ કારણે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પરિસ્થિતિના તાત્કાલિક ઉકેલ માટે રાજ્ય સરકારનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ એક્ટિવ થયું હતું. આજે ગાંધીનગર ખાતે સસ્તા અનાજની દુકાનોના આગેવાનો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ અનાજ વિતરકોએ હડતાલ સમેટવાનો નિર્ણય લીધો હતો.
અહેવાલ અનુસાર, સરકાર તરફથી કુલ 20 પૈકી 11 માંગણીઓ સંતોષવામાં આવી છે. આજની બેઠક બાદ મુખ્ય 5 માંગણીઓ સ્વીકારવામાં આવી છે. ઉપરાંત રેગ્યુલર કમિશન 3 રૂપિયા કરવા માટે સરકાર સહમત થઈ છે. આ સિવાય મીનીમમ કમિશન પણ 30 હજાર કરવા સરકાર સહમતી થઈ છે. બાયોમેટ્રિક પદ્ધતિમાં જૂની પદ્ધતિ લાગુ કરવા બાબતે સહમતિ દર્શાવવામાં આવી છે. જેમાં તકેદારી સમિતિના 2 સભ્યોના બાયોમેટ્રિક પર સરકાર સહમત થઈ છે.
સસ્તા અનાજના દુકાનદારોની હડતાલના કારણે રાજ્યની 17 હજાર દુકાનો બંધ રખાઈ હતી. હડતાળના 4 દિવસમાં જ વિભાગ દ્વારા આ ત્રીજી વાર બેઠક બોલાવવામાં આવી હતી. આ અગાઉ મંત્રી સ્તરે પણ વિતરકો સાથે બેઠક યોજાઈ હતી, પરંતુ તેમાં કોઈ નક્કર પરિણામ ન આવતા હવે ઉચ્ચ અધિકારીઓએ અનાજ વિતરકો સાથે બેઠક યોજી હતી.





















