Gujarat Rain: રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, વાપીમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ
Gujarat Weather Update: રાજ્યના અનેક વિસ્તારમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ઠંડક પ્રસરી છે. વલસાડ જીલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે.
Gujarat Weather Update: રાજ્યના અનેક વિસ્તારમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ઠંડક પ્રસરી છે. વલસાડ જીલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. સૌથી વધુ વરસાદ વાપીમાં પડ્યો છે જ્યાં બે કલાકમાં બે ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી વાપીના જાહેર રસ્તાઓ પર પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદથી વાપીના રેલવે અંડર પાસમાં પણ પાણી ભરાયાં છે.
આ ઉપરાંત ભાવનગરના મહુવા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મહુવા તાલુકાના બગદાણા, મોણપર, ટીટોડીયા, કરમદીયા તેમજ દેગવડા સહિતનાં ગ્રામ્ય પથકમાં વરસાદી માહોલ જામ્યો છે. વાવણી લાયક સારો વરસાદ તથા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામતા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અવિરત વરસાદ વરસતા બગડ નદીમાં નવા નિર આવ્યા છે. હાલામં મહુવા પંથકમાં રસ્તાઓ પર ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે.
તો બીજી તરફ તાપી જિલ્લાના સોનગઢમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સોનગઢના બજાર વિસ્તાર સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. રાત્રીના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. પાનવાડી, મુસા સહિત શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થયા બાદ અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાર વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. ગુજરાતના બંદરો પર ૩ નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાયું છે. દરિયાના ઉંચા મોજા ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત આજે છૂટાછવાયા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
ગીર સોમનાથના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરના પગલે દરિયો તોફાની બનતા માછીમારોને દરિયો નાખેડવા સાવચેત કરવામાં આવ્યા છે. સમુદ્રના મોજામાં હાલમાં કરન્ટ જોવા મળી રહ્યો છે. આગામી 48 કલાક દરિયા કાંઠા વિસ્તાર 40 થી 60 ની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ ઉપરાંત વલસાડનો તિથલનો દરિયો પણ તોફાની બન્યો છે. દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. કલેકટરે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલમાં તિથલના દરિયાકિનારે પોલીસે પહેરો વઘારી દીધો છે. સહેલાણીઓને દરિયાથી દૂર રાખવા પોલીસ તૈનાત કરાઈ છે.