યાત્રાધામ અંબાજી મંદિર આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે, જાણો દર્શનના સમયમાં શું ફેરફાર કરવામાં આવ્યો
શક્તિદ્વારથી તાપમાન ચકાસણી કરાવી, સેનેટાઈઝેશન કરી થર્મલ સ્ક્રિનિંગથી પ્રવેશ મેળવવાનો રહેશે.
ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજી મંદિર આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું છે. દોઢ મહિના બાદ મંદિર ભક્તો માટે ખુલ્યું છે. શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન ટોકન પણ બુક કરી શકશે. શ્રદ્ધાળુઓ માટે દર્શનનો સમય સવારે સાડા સાતથી 10.45 વાગ્યા સુધી, બપોરે 12.30થી સાંજના 4.15 વાગ્યા સુધી અને સાંજના સાતથી નવ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.
અંબાજીમાં દર્શન માટે આવનારા તમામ યાત્રિકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડની માર્ગદર્શિકાનું પાલન પ્રત્યેક શ્રદ્ધાળુઓએ કરવાનું રહેશે. ચાચરચોકમાં અથવા ગર્ભગૃહની સામે દર્શનાર્થીઓ ઊભા રહી નહિ શકે. દર્શન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.
શક્તિદ્વારથી તાપમાન ચકાસણી કરાવી, સેનેટાઈઝેશન કરી થર્મલ સ્ક્રિનિંગથી પ્રવેશ મેળવવાનો રહેશે. ટ્રસ્ટ તરફથી સોશલ ડિસ્ટસિંગ જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એટલુ જ નહી શ્રદ્ધાળુઓએ મંદિરમાં કોઈ જગ્યાએ અડવાનું નથી. સાથે જ દંડવત પ્રણામ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.
નોંધનીય છે કે, કોરોનાનું સંક્રમણ ઘટતા 11 જૂનથી કોરોનાના નિયમોને આધિન વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. 11 જૂનથી જ ધાર્મિક સ્થળો, બાગ બગીચા, જીમ અને રેસ્ટોરંટ નિયમોને આધિન ખોલવાની સરકારે મંજૂરી આપી દીધી હતી. જેમાં ધાર્મિક સ્થળો પર પણ કોરોનાની ગાઈડલાઈન અનુસાર શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે.
સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ ખોડલધામ મંદિર પણ ગઈકાલથી શ્રદ્ધાળુઓ માટે ખુલી ગયું છે. જો કે ધ્વજારોહણ કાર્યક્રમમાં હજુ પણ માત્ર 50 જ લોકોને ઉપસ્થિત રહેવાની મંજૂરી આપવામાં આવી શકે છે. સાથે જ મંદિર પરિસરમાં ખાસ માસ્ક તેમજ સોશલ ડિસ્ટસિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે.
તો આ તરફ દેવભૂમિ દ્વારકાનું જગત મંદિર પણ 11 જૂનથી ભક્તો માટે કોરોનાની ગાઈડલાઈંસ સાથે ખુલી ગયું છે. ઉત્તર ગુજરાતનું ધાર્મિક સ્થળ બહુચરાજી મંદિર અને ઊંઝાનું ઉમિયા મંદિર પમ ગઈકાલથી દર્શનાર્થીઓ માટે ખુલી ગયા છે. સાથે જ સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યું છે.