ટેરર ફંડિંગ મામલે PFI પર NIA-EDની સૌથી મોટી કાર્યવાહી, 11 રાજ્યોમાંથી 106 લોકોની ધરપકડ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે તમિલનાડુ સહિત કુલ 11 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા
NIA Raids PFI: દેશમાં આતંકવાદીઓની કમર તોડવા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે તમિલનાડુ સહિત કુલ 11 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા. આ દરોડામાં 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે PFI અને તેની સાથે જોડાયેલા લોકોની ટ્રેનિંગ એક્ટિવિટી, ટેરર ફંડિંગ અને લોકોને સંગઠન સાથે જોડવા વિરુદ્ધ NIAની અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી છે.
106 PFI members arrested in NIA, ED raids across 11 states
— ANI Digital (@ani_digital) September 22, 2022
Read @ANI Story | https://t.co/RuoW1SCRpp#PFI #NIARaid #ED pic.twitter.com/WIP1rheAjt
બે પ્રકારના લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક એવા જેઓ પીએફઆઈની ગતિવિધિઓમાં સીધા સામેલ હતા અને બીજા એવા લોકો જે દરોડા દરમિયાન વિરોધ કરી રહ્યા હતા. પીએફઆઈ વિરુદ્ધ કાર્યવાહીના મામલામાં ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો આ સંગઠનના પદાધિકારીઓ છે.
NIA અને ED એ PFI ના રાષ્ટ્રીય અધ્યક્ષ OMA સલામ ઉપરાંત PFI દિલ્હીના વડા પરવેઝ અહેમદના ઘર પર દરોડા પાડ્યા અને તેમની ધરપકડ કરી હતી. આ દરમિયાન પીએફઆઈના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. આ દરોડામાં PFIના પૂર્વ ખજાનચી નદીમની પણ ધરપકડ કરવામાં આવી છે. નદીમને NIAએ બારાબંકીના કુર્સી પોલીસ સ્ટેશન વિસ્તારના બહરૌલી ગામમાંથી પકડ્યો હતો. નદીમનું નામ CAA અને NRC હિંસામાં પણ આવ્યું હતું.
NIAએ જયપુરના મોતી ડુંગરી રોડ પર PFI ઓફિસ પર સવારે 3 વાગ્યે દરોડા પાડ્યા હતા. NIAની ટીમ લગભગ એક કલાક સુધી PFIની ઓફિસમાં હાજર રહી હતી. NIA અધિકારીઓએ જાવેદ અને અન્ય બે PFI કામદારોની ઓફિસમાંથી પૂછપરછ કરી. જોકે, અહીંથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. NIAની ટીમે સ્થળ પરથી ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ સમગ્ર મામલો ટેરર ફંડિંગ અને શંકાસ્પદ ગતિવિધિઓ સાથે જોડાયેલો છે.
NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં ટેરર ફંડિંગ અને હથિયારો સંબંધિત મામલાને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા. કેરળમાં દેશી તલવાર, ખંજર સહિતના અન્ય હથિયારો બનાવવામાં આવ્યા હતા. થોડા મહિના પહેલા કેરળથી રાજસ્થાનમાં હથિયારો સપ્લાય કરવામાં આવ્યા હતા. આ હથિયારો હિન્દુ સંગઠનોનો સામનો કરવા માટે મોકલવામાં આવ્યા હતા. હાલ રાજસ્થાનમાં PFI સંસ્થા પર પ્રતિબંધ નથી. PFI ની હેડ ઓફિસ રાજસ્થાનના જયપુરમાં છે. આ સિવાય કોટામાં તેની એક મોટી ઓફિસ પણ છે. થોડા દિવસો પહેલા પીએફઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓએમ સલામ જયપુર આવ્યો હતો. એનઆઈએ દ્વારા નાસિક જિલ્લાના પીએફઆઇ પ્રમુખ સૈફુર રહેમાનની અટકાયત કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે PFI પર NIAના દરોડા અંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA), ગૃહ સચિવ, DG NIA સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. NIA અધિકારીઓની ચાર ટીમોએ ઉત્તર પ્રદેશના લખનઉ, નોઈડા, વારાણસીમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં NIAની ટીમે ઈન્દિરા નગર વિસ્તારમાંથી મોહમ્મદ વસીમ ઉર્ફે બબલુની ધરપકડ કરી હતી. બબલુ ટેલરિંગનું કામ કરે છે. જ્યારે વારાણસીમાં NIAએ દરોડા પાડીને 2 લોકોની અટકાયત કરી છે. કસ્ટડીમાં લેવામાં આવેલા આ બંને લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા બંને લોકો વારાણસીના જૈતપુરા અને આદમપુર વિસ્તારના રહેવાસી છે અને PFI વર્કર હોવાનું કહેવાય છે.
NIAની ટીમે દિલ્હીમા PFI પ્રમુખ પરવેઝની ઓખલા વિસ્તારમાં ધરપકડ કરી હતી. NIAની ટીમ આજે સવારે લગભગ 3.30 વાગે પરવેઝના ઘરે પહોંચી હતી, જ્યાંથી NIAની ટીમ પરવેઝ અને તેના ભાઈની ધરપકડ કરીને લઈ ગઇ હતી. . NIAની ટીમે મહારાષ્ટ્રના પુણેમાં 20 જગ્યાએ દરોડા પાડ્યા હતા, જેમાં પૂણે સહિત મુંબઈ અને ભિવંડીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. NIAએ કોલ્હાપુરમાંથી અબ્દુલ મૌલાની અટકાયત કરી છે. મોઇનુદ્દીન મોમીન નામના PFI અધિકારીની ભિવંડીમાંથી અટકાયત કરવામાં આવી છે.
સ્થાનિક પોલીસ અને NIA ટીમ દ્વારા આસામના 9 PFI કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે આસામ પોલીસ અને NIAએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગુવાહાટીના હટીગાંવ વિસ્તારમાંથી PFI સાથે જોડાયેલા નવ લોકોની અટકાયત કરી હતી.
મધ્યપ્રદેશના ઈન્દોર અને ઉજ્જૈનમાં પણ NIAએ PFIના સ્થળો પર દરોડા પાડ્યા હતા જ્યાંથી PFIના મધ્ય પ્રદેશના નેતાની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય NIAની ટીમે ઈન્દોર અને ઉજ્જૈનમાંથી PFIના અન્ય ચાર નેતાઓની પણ ધરપકડ કરી છે. NIAએ PFIના અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ 106 લોકોની ધરપકડ કરી છે, જેમાંથી દિલ્હી-3, કર્ણાટક-20, કેરળ-22, મહારાષ્ટ્ર-20, પુડુચેરી-3, રાજસ્થાન-2, તમિલનાડુ-10 , આંધ્રપ્રદેશ-5, આસામ-9, યુપીમાંથી આઠ જણાની ધરપકડ કરવામાં આવી છે.