દિલ્હી-એનસીઆરમાં ભૂકંપથી નુકસાન નહીં છતાં લોકોમાં ભારે ફફડાટ, શું છે કારણ ?
એનસીઆર વિસ્તારમાં રવિવારે સાંજે 5.45 કલાકે રીક્ટર સેક્લ પર 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો

નવી દિલ્હીઃ કોરોનાવાયરરસના કારણે જાહેર થયેલા લોકડાઉનના કારણે લોકો ઘરોમાં ભરાયેલા છે ત્યારે દિલ્હીમાં રવિવારે સાંજે ભૂકંપનો આંચકો આવતાં લોકો ફફડી ગયાં છે.દિલ્હી તથા નેશનલ કેપિટલ રીજિયન (એનસીઆર) વિસ્તારમાં રવિવારે સાંજે 5.45 કલાકે રીક્ટર સેક્લ પર 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. થોડીક સેંકડો માટે અનુભવાયેલા આ આંચકાએ લોકોને ગભરાવી મૂક્યા છે. દિલ્હીના ભૂકંપનું એપીસેન્ટર પૂર્વ દિલ્હીમાં જ્યાં છે તે ડેન્જર ઝોન છે. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 8 કિલોમીટર નીચે હોવાથી નાનો ભૂકંપ પણ ભારે ખાનાખરાબી સર્જી શકે છે. ભૂસ્તરશાસ્ત્રીઓની 80 સભ્યોની ટીમે આ વિસ્તારમાં ભૂકંપનો મોટો ખતરો હોવાનું પહેલા જ જણાવ્યું હતું. તેના કારણે લોકો વધારે ફફડી ગયાં છે.
દિલ્હીમાં ત્રણ વિસ્તારો ભૂકંપની રીતે અત્યંત સંવેદનશીલ છે. આ પૈકી ગીચ વસતી ધરાવતા યમુના નદીને પાર આવેલા વિસ્તારો પણ છે. આ વિસ્તારોમાં શાહદરા, મયૂર વિહાર તથા લક્ષ્મીનગરનો સમાવેશ થાય છે.
સદનસીબે રવિવારે લોકો સંયમ દાખવીને ઘરોમાં રહેતાં કોઈ અરાજકતા કે અફડાતફડી નહોતી સર્જાઇ. આ ભૂકંપના આંચકાના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના પ્રાથમિક અહેવાલ નથી.





















