Adani-Hindenburg : અદાણી મામલે રાહુલ ગાંધીએ સંભાળ્યો મોરચો, 2023 પહેલા આખો દેશ ધમરોળશે
કોંગ્રેસે શનિવારે અદાણી-હિંડનબર્ગ મામલામાં સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) તપાસની તેની માંગને પુનરાવર્તિત કરી અને કહ્યું હતું કે, તે સરકાર સમર્થિત ખાનગી એકાધિકારની વિરુદ્ધ છે.
Congress Protest On Adani Row: કોંગ્રેસ અદાણી-હિંડનબર્ગ મુદ્દે કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. આગામી દિવસોમાં કોંગ્રેસે પણ આ મામલે સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. કોંગ્રેસના આગામી કાર્યક્રમ મુજબ 6 માર્ચે અદાણી કેસને લઈને પાર્ટી દેશભરમાં બ્લોક સ્તરે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. આ સાથે બજેટ સત્ર દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે.
કોંગ્રેસે કહ્યું હતું કે, 13 માર્ચથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં તમામ રાજ્યોમાં રાજભવન સુધી કૂચ કરવામાં આવશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આગામી દિવસોમાં જિલ્લા સ્તરે અનેક રેલીઓ યોજવા જઈ રહ્યાં છે. કોંગ્રેસે શનિવારે અદાણી-હિંડનબર્ગ મામલામાં સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) તપાસની તેની માંગને પુનરાવર્તિત કરી અને કહ્યું હતું કે, તે સરકાર સમર્થિત ખાનગી એકાધિકારની વિરુદ્ધ છે.
રાહુલ ગાંધીનો PM મોદી પર નિશાન
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ રવિવારે (26 ફેબ્રુઆરી) આ મામલે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જ્યાં સુધી અદાણી જૂથ સંબંધિત કેસની સત્યતા સામે નહીં આવે ત્યાં સુધી તેમની પાર્ટી પ્રશ્નો પૂછતી રહેશે. પાર્ટી સંમેલનમાં તેમના સંબોધન દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એક જ છે અને તમામ પૈસા એક જ વ્યક્તિ પાસે જઈ રહ્યા છે.
કોંગ્રેસે છત્તીસગઢના રાયપુરમાં તેના ત્રણ દિવસીય સંમેલનના બીજા દિવસે પસાર કરેલા તેના આર્થિક ઠરાવમાં કહ્યું હતું કે, તે આવા એકાધિકારની વિરુદ્ધ છે કારણ કે તે જાહેર હિતની વિરુદ્ધ છે. ખાસ કરીને પક્ષ ભ્રષ્ટાચારના આરોપી એવા લોકોની વિરુદ્ધ છે કે જેઓ દેશના સંસાધનોનો એકાધિકાર કરતા ટેક્સ હેવન સાથે ગેરકાયદે સંબંધ ધરાવે છે.
અદાણી કેસ પર કોંગ્રેસનો પ્રહાર
કોંગ્રેસે આર્થિક પ્રસ્તાવમાં કહ્યું છે કે, છેલ્લા કેટલાક સપ્તાહમાં થયેલા અદાણી મહા મેગા કૌભાંડ બાદ અમે સરકારને તેની જવાબદારીથી ભાગવા દઈ શકીએ નહીં. રાહુલ ગાંધીના પ્રશ્નો અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાષણના મોટા ભાગને સરકારના આદેશ પર સંસદના રેકોર્ડમાંથી એકતરફી રીતે હટાવી દેવામાં આવ્યા હતા પરંતુ સંસદમાં શું થઈ રહ્યું છે તે ભારતની જનતા જોઈ રહી છે.