(Source: ECI/ABP News/ABP Majha)
Rajasthan Politics:'પાયલોટને CM બનાવવા તૈયાર નથી', મંત્રી ધારીવાલના ઘરે ગેહલોત કેમ્પના 65 ધારાસભ્યો એકઠા થયા
રાજસ્થાનમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચા વચ્ચે કોંગ્રેસે આજે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ પહેલા સચિન પાયલટની મુશ્કેલીઓ વધી રહી છે.
Rajasthan Politics: રાજસ્થાનમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચા વચ્ચે કોંગ્રેસે આજે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ પહેલા સચિન પાયલટની મુશ્કેલીઓ વધી રહી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના મંત્રી શાંતિ ધારીવાલના ઘરે ગેહલોત જૂથના ધારાસભ્યોની બેઠક યોજાઈ રહી છે.
મંત્રી શાંતિ ધારીવાલના ઘરે લગભગ 65 ધારાસભ્યોનો મેળાવડો છે. જેમાં દોઢ ડઝનથી વધુ મંત્રીઓનો સમાવેશ થાય છે. બેઠકમાં જે રણનીતિ બનાવવામાં આવી રહી છે તે મુજબ આ તમામ ધારાસભ્યો, મંત્રીઓ નિરીક્ષકોની સામે હાઈકમાન્ડ દ્વારા નક્કી કરાયેલા નામ સાથે સહમત નહીં થાય, પરંતુ અન્ય કોઈપણ ધારાસભ્યોને સીએમ બનાવવાની હિમાયત કરશે એટલે કે સચિન પાયલટનું નામ તેમને સ્વીકાર્ય નથી. સચિનના નામે ગેહલોત જૂથ બળવા પર ઉતરી આવ્યું છે.
આ બેઠકના કારણે ધારાસભ્ય દળની બેઠકમાં વિલંબ થઈ શકે છે. અશોક ગેહલોત હમણાં જ ઘરની બહાર નીકળ્યા છે અને હવે ખડગે અને અજય માકનને મળવા હોટલ જશે. ધારાસભ્ય દળની બેઠક સાંજે 7.30 કલાકે થઈ શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ક્યારે?
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ગત 22 સપ્ટેમ્બરે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. નોમિનેશન પ્રક્રિયા પણ આજથી શરૂ થઈ ગઈ છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.
કોણ છે રેસમાં?
કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી ચૂંટણી નહીં લડે. હાલમાં અધ્યક્ષ પદની રેસમાં અશોક ગેહલોત અને શશિ થરૂરનું નામ આગળ ચાલી રહ્યું છે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. આવી સ્થિતિમાં આ રેસમાં વધુ નામો સામેલ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.