‘જો બાંગ્લાદેશ આપણા 'ચિકન નેક' પર હુમલો કરશે તો તેમના બંન્ને 'ચિકન નેક' પર હુમલો કરીશુ’: આસામના મુખ્યમંત્રી
બાંગ્લાદેશના કેટલાક કટ્ટરપંથીઓએ કથિત રીતે આસામના કેટલાક ભાગો સહિત બાંગ્લાદેશનો નકશો પ્રકાશિત કર્યા બાદ હિમંતાને તેમની પ્રતિક્રિયા પૂછવામાં આવી હતી

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બાંગ્લાદેશના કેટલાક વ્યક્તિઓ દ્વારા પ્રકાશિત કરાયેલા કથિત નકશાને ફગાવી દીધો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તરપૂર્વીય રાજ્યના કેટલાક ભાગો પડોશી દેશ (બાંગ્લાદેશ)નો પ્રદેશ છે.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાંગ્લાદેશ એક "નાનો" દેશ છે અને "આટલું ધ્યાન" આપવાને પાત્ર નથી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ તાકાતની દ્રષ્ટિએ ભારતની બરાબરી કરી શકે નહીં.
સરમાએ ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે "લોકો આવા નકશા બનાવી અને પ્રકાશિત કરી શકે છે. આપણે બાંગ્લાદેશને આસામનો ભાગ તરીકે દર્શાવતો નકશો પણ બનાવી શકીએ છીએ. ભારત અને અમેરિકાને પણ એક નકશા પર એકસાથે મૂકી શકાય છે. ફક્ત નકશો બનાવવાથી તે વાસ્તવિકતા બનશે નહીં."
નોંધનીય છે કે બાંગ્લાદેશના કેટલાક કટ્ટરપંથીઓએ કથિત રીતે આસામના કેટલાક ભાગો સહિત બાંગ્લાદેશનો નકશો પ્રકાશિત કર્યા બાદ હિમંતાને તેમની પ્રતિક્રિયા પૂછવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે જો બાંગ્લાદેશના મૌલાનાઓએ આસામને તેમના પ્રદેશનો ભાગ દર્શાવતો નકશો બનાવ્યો છે, તો ભારતના "પુરોહિત, પંડિત" પણ ભારતમાં તેમના ચિત્તાગોંગ બંદરનો સમાવેશ કરીને નકશો બનાવી શકે છે.
તેમણે કહ્યું હતું કે "સરકાર આવું (આવો નકશો પ્રકાશિત કરવો) કરી શકતી નથી પણ લોકો તે કરી શકે છે," સરમાએ એવો પણ દાવો કર્યો હતો કે જો બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં 'ચિકન નેક' કોરિડોર પર હુમલો કરશે તો ભારત તેના બે સાંકડી ભૂમિ પર જવાબી હુમલો કરશે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, "તેમની (બાંગ્લાદેશ) પાસે બે 'ચિકન નેક' છે, ભારત પાસે એક છે. જો તેઓ આપણા (ચિકન નેક) પર હુમલો કરશે, તો આપણે તેમના બે ચિકન નેક પર હુમલો કરીશું. મેઘાલયના ચિત્તાગોંગ બંદર નજીક તેમનું 'ચિકન નેક' આપણા કરતા ઘણું નાનું છે અને તેને રિંગ ફેંકીને બંધ કરી શકાય છે."
સરમાએ બાંગ્લાદેશના બીજા ‘ચિકન નેક’ વિશે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો, જેને તેમણે પડોશી દેશનું "ચિકન નેક" તરીકે વર્ણવ્યું હતું. ભારતના 'ચિકન નેક', જેને સિલિગુડી કોરિડોર તરીકે ઓળખવામાં આવે છે, તે માત્ર 22 થી 35 કિલોમીટર પહોળી જમીનની એક સાંકડી પટ્ટી છે જે ઉત્તર-પૂર્વ ક્ષેત્રને બાકીના ભારત સાથે જોડે છે.





















