Atiq Ahmed : અતિકે 19 વર્ષ પહેલા કરેલી પોતાના મોતની ભવિષ્યવાણી સો ટકા સાચી પડી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મેડિકલ કોલેજની સામે ત્રણ હત્યારાઓએ પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેમના ભાઈ પૂર્વ ધારાસભ્ય અશરફ અહેમદની ગઈ કાલે હત્યા કરી નાખી.
Atiq Ahmed Shot Dead: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મેડિકલ કોલેજની સામે ત્રણ હત્યારાઓએ પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેમના ભાઈ પૂર્વ ધારાસભ્ય અશરફ અહેમદની ગઈ કાલે હત્યા કરી નાખી. જો કે, જાણે કે અતીકને ઘણા સમય પહેલા જ ખ્યાલ આવી ગયો હતો કે તે જે રસ્તે ચાલી રહ્યો છે તેનું પરિણામ શું આવશે. આથી જ અતિકે આજથી 19 વર્ષ પહેલા જ પોતાના મોતની આગાહી કરી દીધી હતી.
અંગ્રેજી અખબાર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, વર્ષ 2004માં પ્રયાગરાજની ફુલપુર લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા અતીકે પત્રકારોને કહ્યું હતું કે- કાં તો એન્કાઉન્ટર થશે, નહીં તો પોલીસ તેને મારી નાખશે... અથવા કોઈ તમારા સમુદાયના નેતા તેને ઠાર મારશે... તમે રસ્તાના કિનારે પડેલા મળશો'
'પરિણામ દરેકને ખબર હોય જ છે'
એકવાર પત્રકારો સાથે વાત કરતી વખતે અતીકે કહ્યું હતું કે 'દરેકને ખબર હોય જ છે કે પરિણામ શું આવવાનું છે..' આ એક સંઘર્ષ છે...'
જ્યારે પત્રકારોએ અતીકને કહ્યું હતું કે, તે ફુલપુર જેવી ઐતિહાસિક બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે, જ્યાંથી પંડિત જવાહરલાલ નહેરુ સંસદ સભ્ય હતા. તો તેના પર માફિયાએ કહ્યું હતું કે- પંડિતજીની જેમ હું પણ નૈની જેલમાં રહ્યો છું...નેહરૂજી એ જેલમાં પુસ્તકો લખ્યા હતાં.. જ્યારે મને હિસ્ટ્રી શીટના કારણે જેલ જવું પડ્યું હતું.
ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપતાં ત્રણ સભ્યોનું તપાસ પંચ બનાવવાની સૂચના આપી છે. જ્યારે ઘટના બાદ ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે.
ફાયરિંગની ઘટના લગભગ 10 વાગ્યાની આસપાસ બની હતી જે કેમેરામાં કેદ થઈ હતી કારણ કે, પોલીસ મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જતી વખતે મીડિયાકર્મીઓ બંનેની સાથે હતા.
વિશેષ પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજની ઘટનાની નોંધ લીધી છે. તેમણે તરત જ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અને સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો. નિવેદન અનુસાર, મુખ્યમંત્રીએ ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચની રચના કરવાની સૂચના પણ આપી છે.