ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે એ વિશે મોટી જાહેરાત ? રોજના એક લાખ કેસ નોંધાશે.......
દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં લોકડાઉનમાં રાહત આપી દેવાઈ છે. આ ઉપરાંત હિલ સ્ટેશન સહિતનાં પ્રવાસનાં સ્થળે ઝડપથી વધી રહેલી ભીડના કારણે દેશમાં હવે બધું સામાન્ય થઈ ગયું છે એવી માન્યતા છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હજુ ગઈ નથી ત્યાં ત્રીજી લહેર આવશે એવી ચેતવણીઓ શરૂ થઈ ગઈ છે. ઘણાં રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેના કારણે ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે એવી વાતો પણ શરૂ થઈ ગઈ છે.
ઘણા રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના મુખ્ય વૈજ્ઞાનિક પ્રોફેસર સમીરન પાંડાએ કહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં ભારતમાં આવશે. તેમણે ચેતવણી આપી છે કે, કોરોનાની ત્રીજી લહેરમાં દરરોજ આશરે 1 લાખ કેસ નોંધાશે.
પ્રોફેસર પાંડાએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે એવું કહી શકીએ કે ત્રીજી લહેર આવી ગઈ છે. તેમણે કહ્યું હતું કે જો ત્રીજી લહેરને રોકવી હોય તો લોકોએ આજથી જ લગ્ન સમારોહ અને પાર્ટીમાં જવાથી બચવું જોઈએ અને માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવો.
ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિવિઝન ઓડ એપિડેમીયોલોજી એન્ડ કમ્યુનિકેબલ વિભાગના વડા ડો. સમીરન પાંડાએ જણાવ્યું હતું કે, કોરોનાના વાયરસના સ્વરૂપમાં હવે વધુ ફેરફાર નહીં થાય તો કોરોનાની ત્રીજી લહેર પણ પહેલી લહેર જેવી હશે પણ વાયરસ તેના સ્વરૂપમાં ફેરફાર કરશે તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી દરમિયાન તેમણે કહ્યું હતું કે, બીજી લહેરની જેમ ત્રીજી લહેર અતિ વિનાશક નહીં બને. નીચા વેક્સિનેશન દર અને લોકડાઉનમાં છૂટના કારણે કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ શકે છે પણ ત્રીજી લહેર બહુ ઘાતક નહીં હોય.
દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં લોકડાઉનમાં રાહત આપી દેવાઈ છે. આ ઉપરાંત હિલ સ્ટેશન સહિતનાં પ્રવાસનાં સ્થળે ઝડપથી વધી રહેલી ભીડના કારણે દેશમાં હવે બધું સામાન્ય થઈ ગયું છે એવી માન્યતા છે. જો કે સ્થિતી સામાન્ય નથી અને લોકોની બેદરકારીને લીધે દેશની પરિસ્થિતિ ઝડપથી કથળી રહી છે.