ભારતમાં ઓમીક્રોનના XE વેરિએન્ટની એન્ટ્રી, મુંબઈમાં નોંધાયો પ્રથમ કેસ
Omicron XE Variant In Mumbai : XE વેરિઅન્ટ ઓમિક્રોનના બે પેટા પ્રકાર BA.1 અને BA.2 નો સંકર પ્રકાર હોવાનું કહેવાય છે.
Mumbai : ભારતમાં ઓમીક્રોનના XE વેરિએન્ટની એન્ટ્રી થઇ ચુકી છે. ઓમીક્રોનથી 10 ગણો વધુ ઝડપથી ફેલાતા XE વેરિએન્ટનો ભારતમાં સૌપ્રથમ કેસ મુંબઈમાં નોંધાયો છે. અહેવાલો અનુસાર XE વેરિઅન્ટ ઓમિક્રોનના બે પેટા પ્રકાર BA.1 અને BA.2 નો સંકર પ્રકાર હોવાનું કહેવાય છે.XE વેરિઅન્ટ તાજેતરમાં યુનાઇટેડ કિંગડમમાં શોધી કાઢવામાં આવ્યો હતો.
XE વેરિઅન્ટનો એક અને કપ્પાનો એક કેસ નોંધાયો
BMC દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના જીનોમ સિક્વન્સિંગ માટે કેટલાક લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કુલ 376 કોરોના સંક્રમિતોના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી, આમાંથી 230 નમૂનાઓનું પરિણામ બહાર આવ્યું. તેમાંથી 228 કેસ ઓમિક્રોન વેરિઅન્ટના હતા. આ સાથે જ કપ્પા વેરિઅન્ટ અને "XE" વેરિઅન્ટનો એક-એક કેસ નોંધાયો છે.
આ તમામ દર્દીઓમાંથી 21 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 12 લોકો એવા હતા જેમણે કોરોના વેક્સીનનો એક પણ ડોઝ લીધો ન હતો, જ્યારે 9 લોકો એવા હતા જેમણે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. જોકે, રાહતની વાત એ છે કે તેમાંથી કોઈને પણ ઓક્સિજન સપોર્ટ કે આઈસીયુમાં રાખવામાં આવ્યા નથી.
Maharashtra | Results of 11th test under the Covid virus genetic formula determination - 228 or 99.13% (230 samples) patients detected with Omicron. One patient affected by 'XE' variant and another is affected by the 'Kapa' variant of COVID19: Greater Mumbai Municipal Corporation
— ANI (@ANI) April 6, 2022
1 મહિલા દર્દીનું અવસાન
BMC દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આ 230 દર્દીઓમાંથી માત્ર 1 મહિલા દર્દીનું મોત થયું છે. જોકે તેને પેટ સંબંધિત કેટલીક ગંભીર સમસ્યાઓ હતી. મહિલા 47 વર્ષની હતી અને તેણે કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા હતા. આ આંકડાઓ સાથે BMC તરફથી લોકોને સાવચેત રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે. જેમાં ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા, સામાજિક અંતર અને સ્વચ્છતાનું પાલન કરવા જેવા સૂચનો આપવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં પ્રતિબંધો હટાવવામાં આવ્યાં છે
તમને જણાવી દઈએ કે અગાઉ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોરોના સંબંધિત તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે કોરોના સંબંધિત લગભગ તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. પણ નાગરિકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ માસ્ક ન પહેરવાના દંડ વગેરેને દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું. અગાઉ માસ્ક ન પહેરવા પર 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો.
મુંબઈ દેશના એવા શહેરોમાં સામેલ છે જે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. હવે ફરી એકવાર અહીં કોરોનાના નવા વેરિએન્ટ્સે ચિંતા વધારવાનું કામ કર્યું છે.