Shivaji Jayanti 2023: 19 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ, જાણો ઇતિહાસ અને મહત્વ
છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ એક મરાઠા પરિવારમાં થયો હતો.
Chhatrapati Shivaji Maharaj Jayanti 2023 : ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે છત્રપતિ શિવાજી મહારાજ વિશે જાણતી નહી હોય. ભારત માતાના વીર પુત્રોમાંના એક છત્રપતિ શિવાજી મહારાજને ભારતીય ગણરાજ્યના મહાનાયક માનવામાં આવે છે. તેઓએ 1674 માં ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તેઓ ધર્મનિરપેક્ષ રાજા હતા.
છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ એક મરાઠા પરિવારમાં થયો હતો. આ કારણોસર તેમની જન્મજયંતિ દર 19 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષ મરાઠા ગૌરવની 393મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે.
નોંધનીય છે કે શિવાજી મહારાજનું નામ શિવાજી ભોંસલે હતું. પરંતુ વર્ષ 1674માં તેમને ઔપચારિક રીતે મરાઠા સામ્રાજ્યના છત્રપતિ અથવા સમ્રાટ તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો. જે બાદથી તેમને છત્રપતિ શિવાજી મહારાજના નામથી ઓળખવામાં આવે છે.
મહારાષ્ટ્ર રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજ ભારતના સૌથી બહાદુર સમ્રાટોમાંના એક હતા. ઈતિહાસ સાક્ષી છે કે છત્રપતિ શિવાજી મહારાજ દિલ્હીની ગાદી હોય કે પછી અંગ્રેજો કોઇ સામે ઝૂક્યા નથી.
છત્રપતિ શિવાજી મહારાજ જયંતિનો ઈતિહાસ
આ જયંતિની ઉજવણીની શરૂઆત વર્ષ 1870 માં પૂણેમાં મહાત્મા જ્યોતિરાવ ફુલે દ્વારા કરવામાં આવી હતી. તેમણે જ રાયગઢમાં શિવાજીની સમાધિની શોધ કરી હતી. બાદમાં સ્વાતંત્ર સેનાની બાલ ગંગાધર તિલકે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવવાની પરંપરા આગળ વધારી હતી અને તેમના યોગદાનને પ્રકાશિત કરતાં શિવાજી મહારાજની છબીને વધુ લોકપ્રિય બનાવી હતી. બ્રિટિશ શાસનની વિરુદ્ધ ઊભા રહીને શિવાજી મહારાજ જયંતિ દ્વારા સ્વતંત્રતા ચળવળ દરમિયાન લોકોને એકસાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શિવાજી મહારાજ પોતાની અદભૂત વ્યૂહરચના, ઉત્તમ નેતૃત્વ ગુણો માટે જાણીતા હતા. તેમણે ઘણી વખત બ્રિટિશ સેનાને હરાવી હતી.