સતત ઓનલાઈન શિક્ષણ લેતાં બાળકો બની રહ્યાં છે આ ગંભીર બિમારીનો ભોગ, તમારા બાળકને આ લક્ષણો હોય તો ચેતી જજો
આ પ્રકારનાં લક્ષણો તમારા બાળકમાં દેખાય તો તરત સાવધ થઈ જવું અને આંખના ડોક્ટરને બતાવીને તેની સલાહ પ્રમાણે આ રોગથી બચવાના ઉપાય કરવા જોઈએ.
મુંબઈઃ કોરોનાના કારણે દેશમાં છેલ્લા સવા વરસ કરતાં વધુ સમયથી બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં છે. સતત મોબાઇલ અને કમ્પ્યુટરમાં ખૂંપેલા રહેતાં આ બાળકો 'કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ' નામની ગંભીર બિમારીનો ભોગ બની રહ્યાં છે અને આ ગંભીર રોગના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા સવા વરસમાં અમદાવાદમાં જ 'કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ'ના કેસ 20 ગણા વધી ગયા છે. આ રોગના કારણે બાળકોને લાંબા ગાળે આંખોની ગંભીર બિમારીનો ભોગ બનવાનો ખતરો રહે છે.
'કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ'નાં લક્ષણો સામાન્ય છે તેથી લોકો તેને ગંભીરતાથી લેતાં નથી. આંખો ડ્રાય થઇ જવી, આંખો લાલ થવી, આંખોમાં બળતરા થવી, દ્રષ્ટિમાં ઝાંખપ અનુભવવી, કચરો પડયો હોય એ રીતે આંખોમાં કશુંક ખૂંચવું વગેરે સામાન્ય લક્ષણો છે. આ ઉપરાંત આંખોમાંથી પાણી પડે, લાઇટની સામે જોવું ના ગમે, આંખો થાકી જાય, આંખોમાં ખંજવાળ આવે, ડબલ વિઝન થાય વગેરે લક્ષણો પણ પછીથી દેખાય છે.
આ પ્રકારનાં લક્ષણો તમારા બાળકમાં દેખાય તો તરત સાવધ થઈ જવું અને આંખના ડોક્ટરને બતાવીને તેની સલાહ પ્રમાણે આ રોગથી બચવાના ઉપાય કરવા જોઈએ.
ડોક્ટરોના મતે, સતત મોબાઇલ-લેપ ટોપ સ્ક્રીન સામે જોવું એ આંખના સ્નાયુઓને પુશ અપ કરાવવા સમાન છે. તેના કારણે આંખોને ભારે શ્રમ પડે છે અને આંખો બહુ થાકી જાય છે. આ ઉપરાંત તેના કારણે આંખોમાં બળતરા થવી-માથાનો દુખાવો થવો જેવી સમસ્યાઓ પણ સર્જાય છે.
હાલમાં બાકો આ સમસ્યાનો વધારે ભોગ બની રહ્યાં છે પણ માત્ર બાળકો જ નહીં વર્ક ફ્રોમ હોમને કારણે મોટી ઉંમરની વ્યક્તિઓને પણ 'કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ'ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નિષ્ણાતોના મતે, સ્ક્રીન સામે પૂરતું અંતર નહીં રાખવાથી આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે તેથી આ સમસ્યા તાત્કાલિક નિવારવી જોઈએ.