Pegasus spying: કૉંગ્રેસનો મોટો દાવો, કહ્યું- રાહુલ ગાંધીના ફોન ટેપ કરવામાં આવ્યા
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સરકારે રાહુલ ગાંધી સહિત પોતાના મંત્રીઓના ફોન ટેપ કરાવ્યા છે.
કૉંગ્રેસે જાસૂસી કાંડને લઈને કેંદ્ર સરકાર પર સોમવારે નિશાન સાધ્યું છે. કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સરકારે રાહુલ ગાંધી સહિત પોતાના મંત્રીઓના ફોન ટેપ કરાવ્યા છે. તેમણે નાગરિકોના મૌલિક અધિકારીઓને દબાવવાનો કેંદ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે કેંદ્રએ દેશની સુરક્ષા સાથે રમત કરવાનું કામ કર્યું છે.
રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવતા કહ્યું કે રાહુલ સહિત દેશના નેતાઓ, દેશના સન્માનિત અલગ-અલગ મીડિયા સંગઠનના પત્રકારો અને સંવૈધાનિક પદોની જાસૂસી કરવામાં આવી છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને હવે ભારતીય જાસૂસ પાર્ટી રાખી દેવું જોઈએ.
ફોન ટેપિંગ વિવાદ પર સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ફોન ટેપિંગથી જાસૂસીના આરોપ ખોટા છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું, લીક ડેટાને જાસૂસી સાથે કોઈ લેવા દેવા નથી.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ડેટાથી સર્વિલાંસ થયું હોવાનું સાબિત થતું નથી. લીક થયેલા ડેટાને જાસૂસી સાથે કોઈ લેવા દેવા નથી. ફોન ટેપિંગને લઈ સરકારના પ્રોટોકોલ ખૂબ કડક છે અને ડેટાથી સાબિત થતું નથી કે સર્વિલાંસ કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં કેબિનેટ મંત્રી નિતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, પ્રહ્લાદ પટેલના ફોન અને વોટ્સએપ ટેપ થયા હતા. આ સિવાય દત્તાત્રેય હોસબોલે સહિત આરએસએસના કેટલાક નેતાઓ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને સેંકડો પત્રકારોના ફોન ટેપ થયા છે. સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને આઈટી અધિકારીઓના પણ ફોન ટેપ થયા હોવાનું સૂત્રોનું કહેવું છે.
ઈઝરાયેલની કંપનીનું જાસૂસી સોફ્ટવેર પીગાસસ ઑક્ટોબર ૨૦૧૯માં સમગ્ર વિશ્વમાં અંદાજે ૧,૪૦૦થી વધુ લોકોના ફોન ટેપ કરવાના મુદ્દે ચર્ચામાં આવી હતી. પીગાસીસ દ્વારા સમગ્ર વિશ્વમાં રાજદ્વારીઓ, રાજકીય અસંતુષ્ટો, પત્રકારો, વરિષ્ઠ સરકારી અધિકારીઓના ફોન ટેપ થયા હોવાનો દાવો કરાયો હતો. ભારતમાં પણ બે ડઝનથી વધુ શિક્ષણશાસ્ત્રીઓ, વકીલો, દલિત એક્ટિવિસ્ટ્સ, પત્રકારોની જાસૂસી માટે પીગાસસનો ઉપયોગ કરાયો હતો. ઑક્ટોબર ૨૦૧૯માં વોટ્સએપે આ જાસૂસી માટે એનએસઓ ગ્રૂપ સામે કેસ પણ કર્યો હતો.