Cough Syrup Ban: હવે મેડિકલ સ્ટોર પર સીધી નહીં મળે કફ સિરપ, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, જાણો નિયમ ભંગ કરવા પર શું થશે?
Cough Syrup Ban: બાળકોના મોતના કિસ્સા વધતા ડ્રગ એડવાઈઝરી કમિટીનો એક્શન પ્લાન, મેડિકલ સ્ટોર્સ પર હવે સીધી ખરીદી શક્ય નહીં.

Cough syrup banned without prescription India: શરદી-ઉધરસ થાય એટલે મેડિકલ સ્ટોર પર જઈને સીધી કફ સિરપ ખરીદવાની આદત હવે ભૂલવી પડશે. કેન્દ્ર સરકારે લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. હવેથી દેશભરના મેડિકલ સ્ટોર્સ પર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન (ચિઠ્ઠી) વિના કફ સિરપ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા ગણાતી 'ડ્રગ એડવાઈઝરી કમિટી'ની 67મી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં કફ સિરપના સેવનથી બાળકોના મોતના કિસ્સાઓ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.
ઓવર-ધ-કાઉન્ટર (OTC) વેચાણ પર બ્રેક
અત્યાર સુધી સામાન્ય રીતે કફ સિરપ 'ઓવર-ધ-કાઉન્ટર' દવાઓની શ્રેણીમાં આવતી હતી, એટલે કે તેને ખરીદવા માટે ડૉક્ટરની સલાહ કે ચિઠ્ઠીની જરૂર પડતી ન હતી. પરંતુ કેન્દ્ર સરકારના નવા આદેશ મુજબ, હવે આ પ્રથા પર રોક લગાવવામાં આવી છે. ડ્રગ એડવાઈઝરી કમિટીએ કફ સિરપના અનિયંત્રિત વેચાણને ડામવા માટે તેને પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જાતે ડોક્ટર બનતા અટકાવવાનો અને નિષ્ણાતની સલાહ મુજબ જ દવા લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
મધ્યપ્રદેશની ઘટનાએ તંત્રને હચમચાવ્યું
આ કડક નિર્ણય પાછળનું તાત્કાલિક કારણ મધ્યપ્રદેશમાં બનેલી દુર્ઘટના છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશના છિંદવાડા અને આસપાસના વિસ્તારોમાં "કોલ્ડ્રિફ" (Coldrif) નામની સિરપ પીવાને કારણે આશરે 24 બાળકોના કિડની ફેલ્યોરથી મોત થયા હતા. માત્ર મધ્યપ્રદેશ જ નહીં, પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં પણ આવી ઘટનાઓ નોંધાઈ હતી. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક અસરથી વેચાણના નિયમો બદલ્યા છે.
વૈશ્વિક સ્તરે ભારતની છબી અને WHO નો રિપોર્ટ
દેશ ઉપરાંત વિદેશમાં પણ ભારતીય કફ સિરપના કારણે થયેલા મૃત્યુએ ભારતની ફાર્મા ઈન્ડસ્ટ્રીની શાખને નુકસાન પહોંચાડ્યું હતું. ઉઝબેકિસ્તાનમાં ભારતીય બનાવટની કફ સિરપ પીવાથી 68 બાળકોના મોત થયા હતા, જેના માટે 21 લોકોને સજા પણ થઈ હતી. તેવી જ રીતે, ઈન્ડોનેશિયામાં વર્ષ 2022 થી 2023 વચ્ચે 200 થી વધુ બાળકોના મોત થયા હતા. ગામ્બિયામાં પણ આવા કિસ્સા નોંધાયા હતા. આ ઘટનાઓ બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ભારતમાં ઉત્પાદિત ત્રણ કંપનીઓ - શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ, રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ અને શેપ ફાર્માની દવાઓ અંગે ચેતવણી જાહેર કરી હતી.
ડ્રગ્સના દુરુપયોગ અને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ પર લગામ
સરકારના આ નિર્ણય પાછળ અન્ય બે મોટા કારણો પણ જવાબદાર છે:
નશાખોરી: ઘણા લોકો કફ સિરપનો ઉપયોગ બીમારી માટે નહીં પરંતુ નશા માટે કરતા હોય છે. પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત થવાથી આ દુરુપયોગ ઘટશે.
એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ: સામાન્ય લોકો ડૉક્ટરની સલાહ વિના બિનજરૂરી રીતે એન્ટીબાયોટિક્સ અને કફ સિરપનો ઉપયોગ કરે છે. જેના કારણે શરીરમાં રહેલા બેક્ટેરિયા દવાઓ સામે પ્રતિકારક શક્તિ કેળવી લે છે અને પછી દવા અસર કરતી નથી. આ નવા નિયમથી લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકશે.





















