Covid-19: ઓમિક્રોનના નવા વેરિઅન્ટે વધાર્યું ટેન્શન, એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રિનિંગ કરવાના આદેશ
કોરોનાના નવા વેરિઅન્ટના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારોએ પણ સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે
Corona Update: કોરોનાના નવા વેરિઅન્ટના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારોએ પણ સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. ચીન, જાપાન, અમેરિકા જેવા દેશોમાં કોરોનાના કેસ વધ્યા બાદ ભારત સરકાર પણ સતર્ક છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે (21 ડિસેમ્બર) કોવિડની પરિસ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન તેમણે કોરોનાથી બચવા માટે અનેક માર્ગદર્શિકા જાહેર કરી છે.
ભારતમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7ના ચાર નવા કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના નવા વેરિઅન્ટે ચીનમાં તબાહી મચાવી હતી. આ કેસ ગુજરાત અને ઓડિશામાં નોંધાયા છે. જેમાંથી બે દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. ગુજરાતના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે જુલાઈ-ઓક્ટોબર-નવેમ્બર-2022 માં ઓમિક્રોનના BF.7 અને BF.12ના બે દર્દીઓ નોંધાયા હતા. આ દર્દીઓને હોમ આઈસોલેશનમાં સારવાર આપવામાં આવી હતી અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. કોરોનાના વધતા ખતરાને જોતા દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, બંગાળ, યુપી, બિહાર સહિત ઘણા રાજ્યોએ તકેદારી વધારી છે.
દિલ્હી સરકારે આ આદેશ આપ્યો છે
દિલ્હી સરકારના એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આરોગ્ય વિભાગને જીનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગુરુવારે (22 ડિસેમ્બર) ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આરોગ્ય વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.
કર્ણાટકના એરપોર્ટ પર સ્ક્રીનિંગ
કર્ણાટક સરકાર બેંગલુરુ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોની તપાસ શરૂ કરશે. કર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરે બુધવારે કહ્યું કે વૈશ્વિક પરિસ્થિતિને જોતા આપણે કેટલાક સાવચેતીનાં પગલાં લેવા પડશે. અમે ત્યાં મુસાફરોની તપાસ શરૂ કરીશું.
મહારાષ્ટ્રમાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ટાસ્ક ફોર્સ અથવા સમિતિની રચના કરશે. રાજ્ય વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવતા વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું કે ચીન હોય કે જાપાન, કોરિયા હોય કે બ્રાઝિલ, કોવિડ-19ના નવા વેરિઅન્ટે કહેર મચાવ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતાએ દાવો કર્યો કે ચીનમાં સ્થિતિ ગંભીર છે અને હોસ્પિટલમાં દાખલ કરવા માટે બેડ પણ ઉપલબ્ધ નથી. ફડણવીસે કહ્યું કે અમે આ અંગે કેન્દ્ર સાથે સંકલન કરીશું. વિપક્ષના નેતાના સૂચન મુજબ અમે બદલાતી પરિસ્થિતિ પર નજર રાખવા અને સૂચનો આપવા માટે ટાસ્ક ફોર્સ અથવા કમિટી બનાવીશું. અમે ચોક્કસપણે આ સૂચનોનો અમલ કરીશું.