શોધખોળ કરો
જમ્મુ કાશ્મીરઃ ગૃહ મંત્રાલયે કહ્યું- સ્થિતિ સામાન્ય થઇ રહી છે, નજરબંધ નેતાઓ જલદી થશે મુક્ત
સૂત્રોના મતે સમિતિના કેટલાક સભ્યોએ સરકારી અધિકારીઓને કાશ્મીર જવાની માંગણી કરી હતી પરંતુ આ માંગને ફગાવી દેવાઇ હતી.

નવી દિલ્હીઃ ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ શુક્રવારે સંસદની એક સમિતિને જાણકારી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે અને પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત અટકાયતમાં રખાયેલા તમામ નેતાઓને મુકત કરવામાં આવશે. જોકે, આ માટે તેમણે કોઇ સમયસીમા આપી નથી. કોગ્રેસ નેતા આનંદ શર્માની અધ્યક્ષતા ધરાવતી ગૃહ મામલાની સંસદની સ્થાયી સમિતિને કેન્દ્રિય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, મંત્રાલયમાં એડિશનલ સચિવ જ્ઞાનેશ કુમાર અને અન્ય અધિકારીઓને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદાખની સ્થિતિની જાણકારી આપી હતી. સૂત્રોના મતે સમિતિના કેટલાક સભ્યોએ સરકારી અધિકારીઓને કાશ્મીર જવાની માંગણી કરી હતી પરંતુ આ માંગને ફગાવી દેવાઇ હતી. લોકસભા અને રાજ્ય સભાના સાંસદોએ સરકારના ટોચના અધિકારીઓને અટકાયતમાં લેવાયેલા નેતાઓ ખાસ કરીને ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા અને શ્રીનગરથી સાંસદ ફારુખ અબ્દુલ્લા અંગે સવાલ કર્યા હતા. ગૃહમંત્રાલયના અધિકારીઓએ સંસદીય સમિતિને જણાવ્યું કે, જેમને જન સુરક્ષા કાયદા હેઠળ અટકાયતમાં રખાયા છે તેઓ અધિકૃત ટ્રિબ્યુનલમાં પડકારી શકે છે અને તેમના આદેશમાં અસંતોષ થવા પર હાઇકોર્ટમાં અરજી કરી શકે છે. અબ્દુલ્લા એકમાત્ર નેતા છે જેમણે કાશ્મીરમાં પીએસએ કાયદા હેઠળ અટકાયતમાં રાખવામાં આવ્યા છે. અટકાયતમાં રખાયેલા નેતાઓની મુક્તિ અંગેના સવાલ પર ગૃહમંત્રાલયના અધિકારીઓએ કહ્યુ કે, કેટલાક નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે અને અન્ય નેતાઓને પણ છોડી મુકવામાં આવશે. જોકે, અધિકારીઓએ આ અંગેની કોઇ સમયસીમા આપી નહોતી.
વધુ વાંચો





















