Elections 2022: દેશના આ રાજ્યોમાં ચાલુ વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી, 137 લોકસભા સીટનો મળશે વર્તારો
Elections 2022: ચાલુ વર્ષે આશરે 8 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થશે. આશરે 1030 સીટ પર યોજાનારી ચૂંટણીમાં 137 લોકસભા બેઠકનું વલણ જોવા મળશે
Elections 2022: ચાલુ વર્ષે આશરે 8 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થશે. આશરે 1030 સીટ પર યોજાનારી ચૂંટણીમાં 137 લોકસભા બેઠકનું વલણ જોવા મળશે. જેથી 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી ઘણી મહત્વની માનવામાં આવે છે અને તેને આગામી લોકસભા ચૂંટણીની સેમિ ફાઇનલ તરીકે જોવામાં આવે છે.
કયા રાજ્યોમાં યોજાશે ચૂંટણી
ચૂંટણી પંચ ફેબ્રુઆરી-માર્ચમાં પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, મણિપુર અને ઉત્તરપ્રદેશમાં ચૂંટણી કરાવી શકે છે. આ ઉપરાંત વર્ષના અંતમાં ગુજરાત, હિમાચલની ચૂંટણી થઈ શકે છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરનું સીમાંકન થઈ ગયું છે તેથી ત્યાં પણ ચૂંટણી યોજાઈ શકે છે. 2018થી જમ્મુ-કાશ્મીર વિધાનસભા ભંગ છે અને 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું નવું સીમાંકન જાહેર થયું છે.
કેટલા ધારાસભ્યો ચૂંટાશે
ચાલુ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે 403 ધારાસભ્યો ઉત્તરપ્રદેશમાંથી ચૂંટણી લડશે. જે બાદ ગુજરાતમાંથી 182, પંજાબમાંથી 117, ઉત્તરાખંડમાંથી 70, હિમાચલમાંથી 60, ગોવામાંથી 40 ધારાસભ્યો ચૂંટાશે. જો જમ્મુ-કાશ્મીરની પણ ચૂંટણી યોજાય તો 1.36 કરોડની વસ્તિ માટે 90 વિધાનસભા સીટ હશે. આ પહેલા અહીં 87 સીટો હતી.
હાલ આ રાજ્યોમાં ભાજપનું છે વર્ચસ્વ
જમ્મુ-કાશ્મીરને બાદ કરતાં બાકીના સાત રાજ્યોમાં 21 કરોડ મતદારો આશરે 940 સીટ માટે વોટિંગ કરશે. આ સાત રાજ્યો પૈકી છ રાજ્યોમાં ભાજપ સત્તામાં છે. પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. આ વખતે પંજાબમાં ત્રિપાંખિયો મુકાબલો થઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં મુખ્ય જંગ ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે છે. પરંતુ કોંગ્રેસ અને બીએસપી પણ પૂરી તાકાત લગાવી રહ્યા છે.