ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 20 લોકોના મોત, ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત હોવાનો સરકારનો દાવો
ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નૈનીતાલ જિલ્લાના રામગઢ બ્લોકના એક ગામમાં એક મકાન ધરાશાયી થવાને કારણે 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નૈનીતાલ જિલ્લાના રામગઢ બ્લોકના એક ગામમાં એક મકાન ધરાશાયી થવાને કારણે 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અનેક જગ્યાએ ભૂસ્ખલનના કારણે લોકોના મોત થયા છે. રામનગરના એક રિસોર્ટમાં પાણી ઘૂસી ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આશરે 100 લોકો રિસોર્ટની અંદર ફસાયેલા છે. હાલમાં 20 લોકોના મોતના અહેવાલ છે. નૈનીતાલનો સંપર્ક કપાઈ ગયો છે. નૈનીતાલ તળાવનું પાણી છલકાઈ રહ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ઠેર-ઠેર ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા બંધ કરવામાં આવી છે.
મૂશળધાર વરસાદ અને ભૂસ્ખલનને લીધે ઉત્તરાખંડના અનેક રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાયો છે. જેના કારણે ઉત્તરાખંડમાં યાત્રાએ ગયેલા 140 ગુજરાતીઓ ફસાયા છે. જેમાં 30 પ્રવાસીઓનો સંપર્ક થઈ શક્યો નથી. ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ હાલ સલામત છે. પરંતુ વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવાથી વરસાદની સાથે ઠંડીનું પ્રમાણ પણ વધતા યાત્રીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.
ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓની જાણકારી માટે રાજ્ય સરકારે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. 07923251900 હેલ્પલાઈન નંબર પર ફસાયેલા યાત્રીઓનો સંપર્ક અને અન્ય માહિતી મેળવી શકાશે. હેલ્પલાઈન નંબર પર ફસાયેલા યાત્રીઓના સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી અથવા મેળવી શકશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઉત્તરાખંડના અધિકારીઓ સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ટેલીફોનીક વાતચીત કરી સતત માહીતી મેળવી રહ્યા છે. ફસાયેલા ગુજરાતીને લઈને ડિઝાસ્ટર સેન્ટર SEOC ખાતે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીએ મુલાકાત લીધી હતી. રાજેંદ્ર ત્રિવેદીએ માહિતી આપી કે 80થી 100 ગુજરાતી ઉતરખંડના પ્રવાસે છે. 6 લોકો કેદારનાથ ફસાયા છે. જેને જરૂર પડે તો હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરાશે. આ સાથે જ તેમણે કહ્યું કે સતત ત્યાંની સરકાર સાથે સંપર્કમા છીએ.