Rain Alert: દેશના અનેક રાજ્યોમાં કાલે ભારે વરસાદની ચેતવણી, આગામી 7 દિવસને લઈ એલર્ટ જાહેર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3-4 દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

નવી દિલ્હી: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3-4 દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 2 અને 3 સપ્ટેમ્બરના રોજ હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
IMD અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 4 દિવસ સુધી ઓડિશામાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. 2, 3 અને 4 સપ્ટેમ્બરના રોજ વિદર્ભ 2 સપ્ટેમ્બરના રોજ ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, 2 સપ્ટેમ્બરના રોજ ઓડિશામાં કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન સમગ્ર પ્રદેશમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની પણ સંભાવના છે.
ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન આસામ અને મેઘાલયમાં અને 5 અને 6 સપ્ટેમ્બર દરમિયાન અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત, આગામી 5 દિવસ સુધી સમગ્ર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે.
રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ રાજસ્થાન પર એક સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી 5-6 દિવસ સુધી પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચોમાસુ સક્રિય રહેવાની શક્યતા છે અને મોટાભાગના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમ રાજસ્થાનના જોધપુર, બિકાનેર વિભાગના મોટાભાગના ભાગોમાં પણ આગામી બે-ત્રણ દિવસમાં મધ્યમથી ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.
પંજાબમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સોમવારે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે મંગળવારે કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સોમવાર અને મંગળવારે હરિયાણામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદનું અનુમાન છે. આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.





















