IMD Weather Alert: બંગાળની ખાડીમાં આકાર લઈ રહી છે ખતરનાક સિસ્ટમ, આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ; વાવાઝોડાનું સંકટ
imd weather update: 24 નવેમ્બર સુધીમાં લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે, માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના; મધ્ય ભારતમાં કોલ્ડવેવની પણ આગાહી.

imd weather update: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના હવામાનને લઈને ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલું એક નવું લો-પ્રેશર (નીચા દબાણનું ક્ષેત્ર) આગામી દિવસોમાં એક શક્તિશાળી અને ખતરનાક સિસ્ટમમાં પરિવર્તિત થવાની પ્રબળ શક્યતા છે. આ કુદરતી ફેરફારને કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનો ફૂંકાવા માટે 'હાઈ એલર્ટ' આપવામાં આવ્યું છે. એક તરફ વરસાદનું સંકટ છે, તો બીજી તરફ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં હાડ થીજવતી શીત લહેર (Cold Wave) ની ચેતવણી પણ આપવામાં આવી છે.
ડબલ અટેક: બે સિસ્ટમ એકસાથે સક્રિય
દક્ષિણ ભારત અને તેના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ધીરે ધીરે બિહામણું બની રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં બે અલગ-અલગ સિસ્ટમ સક્રિય છે.
પ્રથમ સિસ્ટમ જે કોમોરિન વિસ્તાર પર હતી, તે હવે આગળ વધીને લક્ષદ્વીપ અને માલદીવના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. આગામી 24 કલાકમાં તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ગતિ કરશે. આ ચક્રવાતી પરિભ્રમણ મધ્ય-ઉષ્ણકટિબંધીય સ્તર સુધી સક્રિય હોવાથી વિનાશક બની શકે છે.
બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર પણ એક અન્ય સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની છે.
22 થી 24 નવેમ્બર અત્યંત ભારે
હવામાન નિષ્ણાતોના મતે સૌથી મોટો ખતરો 22 નવેમ્બરની આસપાસ સર્જાનારી સિસ્ટમથી છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર બનશે, જે 24 નવેમ્બર સુધીમાં 'ડિપ્રેશન' (Depression) માં ફેરવાઈ જશે. ત્યારબાદના 48 કલાકમાં તે વધુ તાકાતવર બનીને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધશે, જે દરિયાકાંઠાના વિસ્તારો માટે જોખમી સાબિત થઈ શકે છે.
કયા રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ?
આ બંને સિસ્ટમની સંયુક્ત અસરને કારણે દક્ષિણ ભારતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
તમિલનાડુ: 19 થી 25 નવેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી.
કેરળ અને માહે: 19 નવેમ્બરના રોજ હવામાન અત્યંત ખરાબ રહેશે.
લક્ષદ્વીપ: 21 થી 24 નવેમ્બર સુધી ગંભીર હવામાનની ચેતવણી.
આંધ્રપ્રદેશ અને આંદામાન: દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર 19 થી 23 નવેમ્બર સુધી ભારે વરસાદ ખાબકશે. ખાસ કરીને 21 નવેમ્બરે આંદામાનમાં ધોધમાર વરસાદની શક્યતા છે.
માછીમારોને ચેતવણી અને કોલ્ડવેવની અસર
સમુદ્રમાં તોફાની હલચલને જોતા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં માછીમારોને 19 થી 24 નવેમ્બર સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે, કારણ કે પવનની ગતિ ખતરનાક હોઈ શકે છે.
બીજી તરફ, તાપમાનની વાત કરીએ તો, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળશે. જોકે, 20 અને 21 નવેમ્બરના રોજ પશ્ચિમ અને પૂર્વ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણાના કેટલાક ભાગોમાં કાતિલ ઠંડી એટલે કે 'કોલ્ડવેવ' ફરી વળશે તેવી વકી છે.





















