(Source: ECI/ABP News/ABP Majha)
દેશના કયા કયા રાજ્યમાં લાદવામાં આવ્યું છે લોકડાઉન ? કયા રાજ્યોમાં છે નાઇટ કરફ્યૂ, જાણો વિગતે
Lockdown Update: દેશના છ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટકમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં નાપગુરમાં એક સપ્તાહના લોકડાઉન પછી હવે પંજાબ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં નાઈટ કરફ્યુ લાદવાનો નિર્ણય લેવાયો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ ફરી ઝડપથી વધી રહ્યું છે. દેશભરમાં કોવિડ એક્ટિવ કેસની સંખ્યા 53 દિવસ બાદ ફરી બે લાખને પાર પહોચી છે. 14 ફેબ્રુઆરીના રોજ દેશમાં 1.35 લાખ એક્ટિવ કેસ હતા. જે બાદ તેમાં 48 ટકાનો વધારો થયો છે. દેશના છ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટકમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં નાપગુરમાં એક સપ્તાહના લોકડાઉન પછી હવે પંજાબ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં નાઈટ કરફ્યુ લાદવાનો નિર્ણય લેવાયો છે.
અત્યાર સુધીમાં 36 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો પૈકી 21મા એક્ટિવ કેસ વધ્યા છે. દેશમાં કોરોનો સૌથી વધુ કહેર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. વધતા સંક્રમણને પગલે મહારાષ્ટ્રના 9 શહેરમાં નાઈટ કર્ફ્યૂ જ્યારે 8 જિલ્લામાં કર્ફ્યૂ, લોકડાઉન અને કડક પ્રતિબંધના આદેશ કરાયા છે. મહારાષ્ટ્રના 36 જિલ્લામાંથી 10 જિલ્લા ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.
મહારાષ્ટ્રની શું છે સ્થિતિ ?
મહારાષ્ટ્રમાં નાગપુરમાં ફરી એક વખત સોમવારથી એક સપ્તાહનું લોકડાઉન લાગુ કરાશે. મહારાષ્ટ્રમાં પરભણી અને અકોલા પછી હવે ઔરંગાબાદ અને નાસિકમાં પણ સપ્તાહના અંતે નાઈટ કરફ્યુ લાદવામાં આવ્યો છે. મુંબઈ પાસે આવેલા મીરા-ભાયંદર વિસ્તારમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે. સતત વધી રહેલા કોરોના કેસના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. સવારના 9 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. જ્યારે હોટલ, રેસ્ટોરંટ, ફૂડ કોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લી રાખી શકાશે.
પુણેમાં આંશિક લોકડાઉનનું એલાન કરવામાં આવ્યુ છે. પુણેમાં મોલ, હોટલ, સિનેમા હોલને સવારે 10 વાગ્યા સુધી જ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. લગ્ન અને અંતિમ સંસ્કારમાં પણ 50 લોકોની હાજરીને મંજૂરી આપવામાં આવી છે. તમામ સ્કૂલોને 21 માર્ચ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. અમરાવતી શહેરમાં સવારે 9 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાના આદેશ કરાયા છે. હમદનગર જિલ્લામાં રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ અને સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની સૂચના આપવામાં આવી છે. જલગાવમાં ત્રણ દિવસના સંપૂર્ણ લોકડાઉનનું એલાન કરવામાં આવ્યુ છે.
પરભણી જિલ્લામાં 15 માર્ચ સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉનનું એલાન કરાયુ છે. નાંદેડ જિલ્લામાં 15 માર્ચ સુધી શાળા-કોલેજ બંધ રહેશે. સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જ તમામ બજાર અને દુકાનો ખુલ્લા રહેશે, ઔરંગાબાદ જિલ્લામાં 17 માર્ચ સુધી તમામ શાક માર્કેટ, બજાર, હોટલ, શાળા અને કોલેજ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.
ઉત્તરાખંડમાં ક્યાં લગાવાયું લોકડાઉન
ઉત્તરાખંડના મસૂરીમાં ગાલવે કોટેજ એન્ડ સેંટ. જ્યોર્જ સ્કૂલ, બાર્લો ગંજ વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉન નાંખવામાં આવ્યું હોવાની દેહરાદૂનના જિલ્લા મેજિસ્ટ્રેકેટ જાહેરાત કરી હતી. બધી દુકાનો અને ઓફિસો બંધ રહેશે. જિલ્લા તંત્ર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓનો પૂરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે લોકોને લોકડાઉન દરમિયાન ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી. ઉપરાંત ઘરમાંથી માત્ર એક જ વ્યક્તિ નજીકમાં આવેલી સરકારી મોબાઇલ શોપમાંથી ખરીદી માટે બહાર નીકળી શકશે.
પંજાબમાં સ્કૂલો બંધ
પંજાબે કોરોનાના વધતા કેસને પગલે રાજ્યમાં ફરી એક વખત બધી જ સ્કૂલ-કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. શનિવારથી જ આ આદેશનો અમલ શરૂ થઈ ગયો છે.
મધ્યપ્રદેશમાં નાઇટ કરફ્યૂ
મધ્ય પ્રદેશમાં પણ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારથી ઈન્દોર અને ભોપાલમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવાની આશંકા વ્યક્ત કરી છે.