'બોર્ડર પર ફાયરિંગ નહીં, ઓછી થશે સૈનિકોની સંખ્યા', ભારત-પાકિસ્તાન DGMO વચ્ચેની વાતચીતમાં નિર્ણય
India Pakistan Ceasefire: યુદ્ધવિરામની જાહેરાત બાદ બંને દેશોના ડીજીએમઓએ સોમવારે પહેલી વાર વાતચીત કરી હતી

India Pakistan Ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવા માટે શનિવારે ઓપરેશન સિંદૂર પછી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. પાકિસ્તાન અને ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે સોમવારે (12 મે, 2025) પ્રથમ રાઉન્ડની વાતચીત થઈ હતી. પાકિસ્તાનના સંરક્ષણ સૂત્રોએ આ વાતની પુષ્ટી કરી છે અને કહ્યું છે કે ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લા અને તેમના ભારતીય સમકક્ષ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ હોટલાઇન પર એકબીજા સાથે વાત કરી હતી.
ડીજીએમઓ વચ્ચેની વાતચીતમાં બંને પક્ષો એક પણ ગોળી નહીં ચલાવવાની પ્રતિબદ્ધતા ચાલુ રાખવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. એકબીજા સામે કોઈ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહી નહીં કરે. બંને પક્ષો સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પર પણ સંમત થયા હતા. શનિવારે જમીન, હવા અને સમુદ્રમાં તમામ પ્રકારના ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે કરારની જાહેરાત બાદ બંને દેશોના ડીજીએમઓએ સોમવારે પહેલી વાર વાતચીત કરી હતી.
સેનાના જણાવ્યા અનુસાર, એ વાત પર સહમત થયા હતા કે ભારત અને પાકિસ્તાન બંને પક્ષોએ સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આમાં, નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામની ચર્ચા કરવામાં આવી હતી. આ વાતચીતમાં પાકિસ્તાને કહ્યું છે કે હવે તે આ યુદ્ધને આગળ લઇ જશે નહીં. પાકિસ્તાને એમ પણ કહ્યું છે કે તે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે નહીં. નિયંત્રણ રેખા પર શાંતિ અને સ્થિરતા જાળવવા માટે 2021માં ભારત-પાકિસ્તાન ડીજીએમઓ દ્વારા એક નવો યુદ્ધવિરામ કરાર પણ કરવામાં આવ્યો હતો.
'પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને પોતાની લડાઈ લડવા માટે મજબૂર કર્યા'
સોમવારે સેનાએ ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ યોજી હતી. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ કહ્યું કે પહલગામ સુધી આતંકવાદીઓના પાપનો ઘડો ભરાઈ ગયો છે, કારણ કે આતંકવાદીઓ પર અમારા સચોટ હુમલાઓ LOC અને ઈન્ટરનેશનલ બોર્ડર પાર કર્યા વિના કરવામાં આવ્યા હતા. અમને સંપૂર્ણ જાણકારી હતી કે પાકિસ્તાનનો હુમલો સરહદ પારથી પણ થશે, તેથી અમે એર ડિફેન્સ માટે તૈયારીઓ કરી લીધી હતી. જ્યારે પાકિસ્તાન વાયુસેનાએ 9-10 મેના રોજ આપણા એરફિલ્ડ્સ પર હુમલો કર્યો, ત્યારે તેઓ આ મજબૂત એર ડિફેન્સ ગ્રીડ સામે નિષ્ફળ ગયા. એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે અમે વિચારી રહ્યા હતા કે અમે આતંકવાદીઓ સામે લડી રહ્યા છીએ, પરંતુ પાકિસ્તાની સેના વચ્ચે કૂદી પડી. પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓની લડાઈને પોતાની લડાઈ બનાવી દીધી.





















