Govt Hospitals: કેન્દ્રિય સ્વાસ્થ્ય વિભાગનો મોટો નિર્ણય, સરકારી હોસ્પિટલમાં MR પર લાગ્યો પ્રતિબંધ, ડોક્ટરને મળી શકશે નહીં
આ નિર્ણય હેઠળ કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં એમઆરના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે હેઠળ તેઓ સીધા ડોકટરોને મળી શકશે નહીં.

MR Ban in Govt Hospitals: કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં મેડિકલ રિપ્રેઝન્ટેટીવ (MR) અંગે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં એમઆરના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે હેઠળ તેઓ સીધા ડોકટરોને મળી શકશે નહીં. ડોકટરો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ વચ્ચેના અનૈતિક જોડાણને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
નિર્ણય પછી જાહેર કરાયેલ નિર્દેશો
કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય પછી આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS) એ કેન્દ્ર સરકારની હોસ્પિટલોને પત્ર લખીને એમઆરને હોસ્પિટલ પરિસરમાં પ્રવેશ ન આપવાનો નિર્દેશ આપ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય વિભાગે દર્દીઓના હિતમાં નિર્ણય લીધો
કેન્દ્રીય આરોગ્ય વિભાગના આ નિર્ણયનો હેતુ તબીબી ક્ષેત્રમાં પારદર્શિતા અને નૈતિકતાને પ્રોત્સાહન આપવાનો છે. એવું માનવામાં આવે છે કે એમઆર દ્વારા ડોકટરોને દવાઓનો પ્રચાર કરવા માટે લલચાવવાની એક સામાન્ય પ્રથા રહી છે, જે દર્દીઓના હિતોને અસર કરી શકે છે. આ પ્રતિબંધ બાદ હોસ્પિટલોને એ સુનિશ્વિત કરવાનું કહેવામા આવ્યું છે કે એમઆર પરિસરમાં પ્રવેશ ન કરે અને તેઓ ડોકટરો સાથે કોઈ અનૌપચારિક મીટિંગ ન કરે.
AIIMS સહિત આ હોસ્પિટલોમાં પ્રવેશ પર પ્રતિબંધ
કેન્દ્ર સરકારનો આ નિર્દેશ AIIMS, સફદરજંગ હોસ્પિટલ અને અન્ય મુખ્ય સંસ્થાઓ જેવી કેન્દ્ર સરકારની હોસ્પિટલોને લાગુ પડશે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે "આ હોસ્પિટલ પરિસરમાં મેડિકલ રિપ્રેઝન્ટેટીવને પ્રવેશ ન આપવા અંગે અગાઉ આપવામાં આવેલી સૂચનાઓના સંદર્ભમાં છે. આ સંદર્ભમાં ફરી એકવાર નિર્દેશ આપવામાં આવે છે કે મેડિકલ રિપ્રેઝન્ટેટીવને હોસ્પિટલ પરિસરમાં પ્રવેશવાની મંજૂરી ન આપવી જોઈએ. સંસ્થાઓના વડાઓ આ મામલે તમામ અધિકારીઓને જરૂરી કડક સૂચનાઓ આપશે."
આદેશમાં કહેવામાં આવ્યું છે કે મેડિકલ રિપ્રેઝન્ટેટીવને કોઈપણ સારવાર, તપાસ અથવા પ્રક્રિયા વિશે તાજેતરની પ્રગતિ ઇમેઇલ અથવા અન્ય ડિજિટલ મીડિયા દ્વારા શેર કરવા વિનંતી કરી શકાય છે. સૂચના અનુસાર, "આ બાબતે જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે અને કાર્યવાહીની જાણ ડિરેક્ટોરેટને કરવામાં આવશે." એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, "આ પગલું મેડિકલ રિપ્રેઝન્ટેટીવને હોસ્પિટલ પરિસરમાં ડોકટરોને તેમની કંપનીઓ દ્વારા પ્રમોટ કરાયેલી દવાઓ લખવા માટે અયોગ્ય રીતે પ્રભાવિત કરવાથી રોકવાનો છે."





















