Sanchar Saathi App: વિરોધ બાદ મોદી સરકાર બેકફુટ પર, સંચાર સાથી એપ ફરજિયાત કરવાનો આદેશ પાછો ખેંચ્યો
Sanchar Saathi app: વિપક્ષના હોબાળા અને પ્રાઈવસીના ડર વચ્ચે સરકારે લીધો નિર્ણય, મંત્રી સિંધિયાએ જાસૂસીના આરોપો ફગાવ્યા; અત્યાર સુધીમાં 14 મિલિયન ડાઉનલોડ.

Sanchar Saathi app: સ્માર્ટફોન યુઝર્સની પ્રાઈવસી અને ડેટા સુરક્ષાને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સાયબર સુરક્ષાના હેતુથી તમામ નવા મોબાઈલ ફોનમાં 'સંચાર સાથી' એપ (Sanchar Saathi App) પ્રી-ઇન્સ્ટોલ રાખવાનો જે આદેશ આપવામાં આવ્યો હતો, તેને સરકારે તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે. આ અગાઉ સરકારે 28 November ના રોજ આદેશ બહાર પાડ્યો હતો કે દરેક નવા હેન્ડસેટમાં આ એપ હોવી ફરજિયાત છે, પરંતુ વિપક્ષના વિરોધ અને જાસૂસીની આશંકાઓને પગલે સરકારે આખરે નમતું જોખ્યું છે.
શા માટે લેવાયો હતો ફરજિયાત નિર્ણય?
દેશમાં સાયબર છેતરપિંડીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારી આંકડાઓ મુજબ, દરરોજ સરેરાશ 2,000 જેટલી છેતરપિંડીની ઘટનાઓ નોંધાઈ રહી છે. ઓછી જાગૃતિ ધરાવતા નાગરિકો પણ સુરક્ષિત રહી શકે તે હેતુથી સરકારે આ એપને મોબાઈલમાં ફરજિયાત કરવાનો વિચાર કર્યો હતો. એપની લોકપ્રિયતા પણ વધી રહી હતી, કારણ કે છેલ્લા એક જ દિવસમાં 600,000 લોકોએ ડાઉનલોડ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે અગાઉના દિવસો કરતા 10 ગણો વધારો દર્શાવે છે. અત્યાર સુધીમાં કુલ 14 Million (1.4 કરોડ) યુઝર્સે આ એપ ડાઉનલોડ કરી છે.
કોંગ્રેસનો વિરોધ અને જાસૂસીનો ડર
સરકારના આ આદેશ સામે સંસદમાં ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં શૂન્ય કાળ દરમિયાન કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ આ એપ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વિપક્ષનો આરોપ હતો કે આ એપની કેટલીક સુવિધાઓ યુઝર્સના ગોપનીયતાના અધિકાર (Right to Privacy) નું ઉલ્લંઘન કરે છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આ એપ દ્વારા સરકાર નાગરિકોનું રિયલ-ટાઇમ લોકેશન, સર્ચ હિસ્ટ્રી, નાણાકીય વ્યવહારો અને SMS તેમજ WhatsApp જેવી ખાનગી વાતચીત પર નજર રાખી શકે છે.
સરકારની સ્પષ્ટતા: "જાસૂસી શક્ય નથી"
આ વિવાદો વચ્ચે બુધવારે (3 December) લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "સંચાર સાથી એપ દ્વારા જાસૂસી (Snooping) કરવી શક્ય નથી અને સરકારનો આવો કોઈ ઈરાદો પણ નથી." તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો ઉદ્દેશ્ય નાગરિકોને સાયબર ક્રાઈમ સામે લડવા માટે સશક્ત બનાવવાનો છે. જોકે, જનતાના અભિપ્રાય અને સૂચનોને માન આપીને સરકારે હાલ પૂરતો ફરજિયાત આદેશ પાછો ખેંચ્યો છે.
પહેલા શું હતો આદેશ?
ઉલ્લેખનીય છે કે, 28 November ના રોજ જારી કરાયેલા મૂળ આદેશમાં મોબાઈલ ઉત્પાદકોને સૂચના આપવામાં આવી હતી કે ભારતમાં વેચાતા તમામ નવા હેન્ડસેટમાં આ એપ પહેલેથી જ હોવી જોઈએ. તેમજ જૂના ફોનમાં સોફ્ટવેર અપડેટ દ્વારા તેને ઇન્સ્ટોલ કરવાની વાત હતી. આદેશમાં એમ પણ કહેવાયું હતું કે ફોન સેટઅપ કરતી વખતે આ એપ યુઝરને સ્પષ્ટ રીતે દેખાવી જોઈએ. પરંતુ હવે આ નિયમ રદ થતાં મોબાઈલ કંપનીઓ અને યુઝર્સ બંનેને રાહત મળી છે.





















