Doctors: હવે આવા દર્દીઓની સારવારનો ડોક્ટર કરી શકશે ઇનકાર, નેશનલ મેડિકલ કમિશને આપ્યા નિર્દેશ
Doctors: આ નવા નિયમો નેશનલ મેડિકલ કમિશન દ્ધારા નોટિફિકેશન મારફતે દેશભરમાં લાગુ કરવામાં આવ્યા છે.
Doctors: ડોકટરો હવે હિંસક દર્દીઓને સારવાર આપવાનો ઇનકાર કરી શકશે. ઉપરાંત, કોઈપણ દવા અથવા કંપનીની જાહેરાત કરી શકશે નહીં. જો આવો કિસ્સો ધ્યાનમાં આવશે તો તેમનું લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. આ નવા નિયમો નેશનલ મેડિકલ કમિશન દ્ધારા નોટિફિકેશન મારફતે દેશભરમાં લાગુ કરવામાં આવ્યા છે.
આ નિયમો હેઠળ ડૉક્ટર હિંસક દર્દીની સારવાર કરવાનો ઇનકાર કરી શકે છે, પરંતુ ડૉક્ટરે જોવું જોઈએ કે આમ કરવાથી તે દર્દીના જીવનું જોખમ વધી ના જાય. નેશનલ મેડિકલ કમિશન (NMC) એ લગભગ એક વર્ષથી પેન્ડિંગ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ પ્રોફેશનલ કન્ડક્ટ રેગ્યુલેશન સંબંધિત નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આમાં સામેલ નવા નિયમો ગત 2 ઓગસ્ટથી દેશભરમાં લાગુ કરવામાં આવ્યા છે.
નવા નિયમો અનુસાર, જો ડૉક્ટર અથવા તેના પરિવારને કોઈ ભેટ, મુસાફરીની સુવિધા, રોકડ અથવા નાણાકીય અનુદાન આપવામાં આવે છે તો તે ડૉક્ટરનું લાઇસન્સ રદ થઈ શકે છે. આ સિવાય રજિસ્ટર્ડ ડોકટરો કોઈપણ ફાર્મા કંપની સાથે સંબંધિત હોય તેવા સેમિનાર, વર્કશોપ, અથવા કોન્ફરન્સમાં ભાગ લઈ શકશે નહીં. નોટિફિકેશનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ડોકટરો કોઈ પણ સંજોગોમાં ભેટ સ્વીકારી શકે નહીં.
દરેક માહિતી દર્દીને આપવી જરૂરી
નવા નિયમો અનુસાર દર્દીને સર્જરી કે સારવારના ખર્ચ વિશે સંપૂર્ણ માહિતી આપવી જરૂરી છે. દર્દીની તપાસ કરતા પહેલા અથવા સારવાર શરૂ કરતા પહેલા પણ તેને કન્સલ્ટેશન ફી વિશે જાણ કરવાની રહેશે. આ પછી પણ, જો કોઈ દર્દી ફી ન ચૂકવે તો ડૉક્ટરને સારવારનો ઇનકાર કરવાનો અધિકાર છે, પરંતુ આ ઇમરજન્સી દર્દીઓ માટે લાગુ થશે નહીં.
72 નહી પાંચ દિવસમાં મળશે દર્દીઓના દસ્તાવેજો
જો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીને તેના દસ્તાવેજો વિશેની માહિતી જોઈતી હોય તો તે હોસ્પિટલના સંબંધિત ડોક્ટરે વધુમાં વધુ પાંચ દિવસમાં આ કામ કરવાનું રહેશે. હાલમા 72 દિવસનો સમય આપવામાં આવે છે. મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં તબીબી રેકોર્ડ વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવા જોઈએ. આ ઉપરાંત, આલ્કોહોલ અથવા ડ્રગ્સ લઇને દર્દીઓની સારવાર કરવા સખત પ્રતિબંધ છે.
નામની આગળ મનફાવે તેવી ડિગ્રી લખી શકાશે નહીં
કમિશનના નોટિફિકેશન મુજબ રજિસ્ટર્ડ ડોકટરો તેમના નામની આગળ મનફાવે તેવી ડિગ્રી અથવા કોર્સનું નામ લખી શકતા નથી. તેઓએ તેમના નામની આગળ માત્ર NMC દ્વારા માન્ય અથવા માન્ય તબીબી ડિગ્રી/ડિપ્લોમાનું નામ લખવાનું રહેશે. આ ડિગ્રી અથવા ડિપ્લોમા પણ એક જ હશે, જેની માહિતી NMCની વેબસાઇટ પર ઉપલબ્ધ હશે. જો અન્ય કોઈ ડિગ્રી લખેલી હોય તો તેને અમાન્ય જાહેર કરી દંડ થઈ શકે છે.