Note Photo Controversy: નોટો પરના ફોટાનું રાજકારણ વધુ ગરમાયું! કેજરીવાલે પીએમને લખ્યો પત્ર, કહ્યું- 'તાત્કાલિક તસવીર લગાવવામાં આવે'
M નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં દિલ્હીના મુખ્યમંત્રીએ લખ્યું છે કે, એક તરફ આપણે બધા દેશવાસીઓએ સખત મહેનત કરવાની જરૂર છે અને બીજી તરફ આપણને ભગવાનના આશીર્વાદની પણ જરૂર છે.
New Delhi: આમ આદમી પાર્ટી (AAM AADMI PARTY)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણ (નોટો) પર લક્ષ્મી-ગણેશના ફોટાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે દેશના 130 કરોડ લોકોની ઈચ્છા છે કે ભારતીય ચલણમાં એક તરફ ગાંધીજી અને બીજી તરફ શ્રી ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હોય. ગુરુવારે લખાયેલા આ પત્રમાં કેજરીવાલે કહ્યું છે કે આજે દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આઝાદીના 75 વર્ષ પછી પણ ભારતની ગણતરી વિકાસશીલ અને ગરીબ દેશોમાં થાય છે. તેમણે પૂછ્યું છે કે આપણા દેશમાં હજુ પણ આટલા બધા લોકો ગરીબ કેમ છે.
અરવિંદ કેજરીવાલે PM મોદી પાસે શું માંગી છે?
PM નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં દિલ્હીના મુખ્યમંત્રીએ લખ્યું છે કે, "એક તરફ આપણે બધા દેશવાસીઓએ સખત મહેનત કરવાની જરૂર છે અને બીજી તરફ આપણને ભગવાનના આશીર્વાદની પણ જરૂર છે જેથી કરીને આપણાં પ્રયાસો ફળીભૂત થાય." યોગ્ય નીતિ, પરિશ્રમ અને ઈશ્વરના આશીર્વાદ- તેમના સંગમથી જ દેશની પ્રગતિ થશે. ત્યારથી આ મુદ્દે સામાન્ય જનતાનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. લોકોમાં તેને લઈને જબરદસ્ત ઉત્સાહ છે. દરેક જણ ઇચ્છે છે કે તેનો તાત્કાલિક અમલ થાય.
ઇન્ડોનેશિયાનું ઉદાહરણ કેમ
બુધવારે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણ (નોટો) પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર સાથે શ્રી લક્ષ્મી અને બીજી બાજુ શ્રી ગણેશજીની તસવીર લગાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે નોટ પર ગાંધીજીની તસવીર જેમ છે તેમ રાખવી જોઈએ, પરંતુ એક તરફ દેવી-દેવતાઓની તસવીર લગાવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે જો 85 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ઈન્ડોનેશિયા પણ શ્રી ગણેશજીને પસંદ કરે છે તો આપણે પણ કરી શકીએ છીએ. તેમણે કહ્યું હતું કે દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે ભગવાનના આશીર્વાદની પણ જરૂર છે.